16 November, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍરસ્પેસ પરના પ્રતિબંધો હળવા થતાં ઍર ઇન્ડિયાએ દિલ્હી અને મુંબઈથી ન્યુ યૉર્ક અને ન્યુઅર્ક જતી નૉન-સ્ટૉપ ફ્લાઇટ ફરી શરૂ કરી દીધી છે. એના કારણે મુસાફરીના સમયમાં પાંચ કલાક સુધીનો મોટો ઘટાડો થયો છે. ઍરલાઇને રવિવારે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના ચારેય રૂટ પર હવે કોઈ પણ ટેક્નિકલ સ્ટૉપઓવર વિના સીધી ઉડાન શરૂ થઈ ગઈ છે. નૉન-સ્ટૉપ ફ્લાઇટ શરૂ થવાથી અગાઉ જે મુસાફરીમાં અંદાજે બાવીસ કલાક લાગતા હતા એ હવે ઘટીને આશરે ૧૭ કલાક થઈ ગયા છે.
ઍર ઇન્ડિયાએ નવેમ્બરના પહેલા અઠવાડિયાથી ઇરાકની ઍરસ્પેસનો ઉપયોગ કરીને આ સીધી સેવા શરૂ કરી છે. અગાઉ મિડલ ઈસ્ટના કેટલાક ભાગોમાં ઍરસ્પેસ પ્રતિબંધો અને પાકિસ્તાની ઍરસ્પેસ બંધ હોવાને કારણે ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચેની ફ્લાઇટ સેવા ખોરવાઈ હતી. એના પરિણામે દિલ્હી અને મુંબઈથી ન્યુ યૉર્કના જૉન એફ. કેનેડી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (JFK) અને ન્યુઅર્ક લિબર્ટી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (EWR) જતી ફ્લાઇટને રીફ્યુઅલિંગ માટે ઇટલીના રોમમાં ટેક્નિકલ સ્ટૉપ લેવો પડતો હતો. એ ઉપરાંત જૉર્ડન અને ઇજિપ્ત થઈને લાંબા રૂટ પર ઊડવું પડતું હોવાથી સમય પણ વધારે લાગતો હતો.
ઍર ઇન્ડિયા દિલ્હીથી ન્યુ યૉર્ક માટે દરરોજ અને ન્યુઅર્ક માટે અઠવાડિયામાં ચાર દિવસ ઍરબસ A350-900 વિમાન ચલાવે છે, જ્યારે મુંબઈથી ન્યુ યૉર્ક માટે દરરોજ અને ન્યુઅર્ક માટે અઠવાડિયામાં ત્રણ દિવસ બોઇંગ 777-300ER વિમાન ઊડે છે.