ઍર ઇન્ડિયાનાં ભાડાં આજથી વધી જશે

08 April, 2026 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦૦ કિલોમીટર સુધીની ટૂંકા અંતરની ઘરેલુ ફ્લાઇટ્સ માટે મુસાફરોએ વધારાના ૨૯૯ રૂપિયા ચૂકવવા પડશે, નૉર્થ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા રૂટ પર સૌથી વધુ ૨૬,૦૪૦ રૂપિયા સરચાર્જ લાગુ પડશે

ઍર ઈન્ડિયા પ્લેન

જેટ ઈંધણના ભાવ વધ્યા એટલે ઘરેલુ અને વિદેશી સેક્ટરમાં ફ્યુઅલ સરચાર્જ વધારી દીધો : ૫૦૦ કિલોમીટર સુધીની ટૂંકા અંતરની ઘરેલુ ફ્લાઇટ્સ માટે મુસાફરોએ વધારાના ૨૯૯ રૂપિયા ચૂકવવા પડશે, નૉર્થ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા રૂટ પર સૌથી વધુ ૨૬,૦૪૦ રૂપિયા સરચાર્જ લાગુ પડશે

વેસ્ટ એશિયામાં યુદ્ધના કારણે ઊર્જા-સંકટ સર્જાયું છે અને જેટ ફ્યુઅલના ભાવમાં વધારો થયો છે. આના પગલે ઍર ઇન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને રૂટ પર ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે. બીજી તરફ ઍર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અને મૅનેજિંગ ડિરેક્ટર (MD) કૅમ્પબેલ વિલ્સને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ડોમેસ્ટિક સેક્ટરમાં વધારો

ઍર ઇન્ડિયાએ અગાઉના ફ્લૅટ ચાર્જને બદલે અંતર-આધારિત માળખું રજૂ કરીને એના ઘરેલુ ફ્યુઅલ સરચાર્જમાં સુધારો કર્યો છે. ૫૦૦ કિલોમીટર સુધીની ટૂંકા અંતરની ફ્લાઇટ્સ માટે મુસાફરોએ વધારાના ૨૯૯ રૂપિયા ચૂકવવા પડશે. ૫૦૧ કિલોમીટરથી ૧૦૦૦ કિલોમીટર માટે ૩૯૯ રૂપિયા, ૧૦૦૧ કિલોમીટરથી ૧૫૦૦ કિલોમીટર માટે ૫૪૯ રૂપિયા, ૧૫૦૧ કિલોમીટરથી ૨૦૦૦ કિલોમીટર માટે ૭૪૯ રૂપિયા અને ૨૦૦૦ કિલોમીટરથી વધુની ફ્લાઇટ્સ માટે સરચાર્જ ૮૯૯ રૂપિયા લાગુ કરવામાં આવશે. આ સુધારેલા ચાર્જ આજે સવારે ૯.૦૧ વાગ્યે લાગુ થવાના છે.

ઇન્ટરનૅશનલ રૂટ પર
સરચાર્જમાં તીવ્ર ભાવવધારો

ઍર ઇન્ડિયાએ ઇન્ટરનૅશનલ રૂટ પર ફ્યુઅલ સરચાર્જમાં ઘણો વધારો કર્યો છે, જેની અસર લાંબા અંતરની ફ્લાઇટ્સ પર વધુ છે. સાર્ક (બંગલાદેશ સિવાય) જેવા નજીકના પ્રદેશો માટે મુસાફરોએ હવે ૨૪ અમેરિકી ડૉલર ચૂકવવા પડશે, જે પ્રતિ સેક્ટર પ્રતિ મુસાફર લગભગ ૨૨૩૨ રૂપિયા છે. વેસ્ટ એશિયા અને મિડલ ઈસ્ટની ફ્લાઇટ્સ પર ૫૦ ડૉલર અથવા આશરે ૪૬૫૦ રૂપિયાનો સરચાર્જ લાગશે. ચીન અને સાઉથ ઈસ્ટ એશિયા (સિંગાપોર સિવાય)ના રૂટ પર ૧૦૦ ડૉલર એટલે કે લગભગ ૯૩૦૦ રૂપિયા સરચાર્જ થશે. સિંગાપોરની ફ્લાઇટ્સ માટે ૬૦ ડૉલર અથવા લગભગ ૫૫૮૦ રૂપિયા થશે. આફ્રિકા જનારા મુસાફરો માટે ૧૩૦ ડૉલર અથવા લગભગ ૧૨,૦૯૦ રૂપિયા સરચાર્જ થશે. યુનાઇટેડ કિંગડમ સહિત યુરોપ માટે સરચાર્જ ૨૦૫ ડૉલર નક્કી કરવામાં આવ્યો છે, જે આશરે ૧૯,૦૬૫ રૂપિયા થાય છે.

નૉર્થ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા લાંબા અંતરના રૂટ પર સૌથી વધુ સરચાર્જ લાગુ પડશે, જ્યાં મુસાફરોએ ૨૮૦ ડૉલર અથવા લગભગ ૨૬,૦૪૦ રૂપિયા પ્રતિ સેક્ટર ચૂકવવા પડશે. આ સુધારેલા ચાર્જ મોટા ભાગના રૂટ માટે આજથી અમલમાં આવશે; જ્યારે યુરોપ, નૉર્થ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં ફેરફારો ૧૦ એપ્રિલથી લાગુ થશે.

international news world news iran israel united states of america middle east crisis air india petroleum