હિંસા બાદ ઇમરાન ખાને વિરોધ કૂચને વિખેરી, પણ સરકારને આપ્યું અલ્ટિમેટમ

27 May, 2022 10:40 AM IST  |  Islamabad | Agency

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે છ દિવસમાં નવી ચૂંટણીઓ યોજવા જાહેરાત નહીં કરાય તો તે ફરી ઇસ્લામાબાદમાં કૂચ કરશે

ઇસ્લામાબાદમાં ગઈ કાલે ઇમરાન ખાનના સમર્થકોને રોકવાની કોશિશ કરી રહેલા સુરક્ષા દળોના જવાનો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની વિરોધ કૂચને હિંસા બાદ વિખેરી નાખવામાં આવી હતી. બુધવારે સાંજે સંસદની બહાર પોલીસની સાથે પ્રદર્શનકર્તાઓની અથડામણ થઈ હતી. ઇમરાને ચૂંટણી માટે સરકારને અલ્ટિમેટમ જરૂર આપ્યું હતું.
ઇમરાને કહ્યું હતું કે તેને સત્તા પરથી હટાવવા માટેનો અવિશ્વાસનો પ્રસ્તાવ વાસ્તવમાં અમેરિકાનું કાવતરું હતું અને તેને પાકિસ્તાનનો સપોર્ટ હોવાનું બતાવવા માટે તે નવી ચૂંટણીની માગણી કરી રહ્યો છે.
તે અને તેના હજારો સપોર્ટર્સ ઇસ્લામાબાદ પહોંચ્યા બાદ ઇમરાને કહ્યું હતું કે ‘હું તમને છ દિવસ આપું છું. તમે છ દિવસમાં ચૂંટણીઓની જાહેરાત કરો. જૂનમાં નવી ચૂંટણીઓ યોજવા માટે સંસદનો ભંગ કરવો જોઈએ.’
તેણે પાકિસ્તાનની સરકારને ચેતવણી આપી હતી કે જો તેની માગણીઓને સંતોષવામાં નહીં આવે તો તે ફરી ઇસ્લામાબાદમાં કૂચ કરશે.
ઇમરાનના સમર્થકો અને પોલીસની વચ્ચે ઇસ્લામાબાદમાં કલાકો સુધી હિંસક અથડામણ થઈ હતી. પોલીસે અશ્રુવાયુના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. જોકે પ્રદર્શનકર્તાઓએ વૃક્ષો, વાહનો, દુકાનો અને એક બસ-સ્ટેશનને આગ લગાવી હતી.

international news pakistan imran khan