ચીને તાઇવાન પાસે અનેક બૅલેસ્ટિક મિસાઇલ્સ ફાયર કરી

05 August, 2022 08:37 AM IST  |  Taipei | Gujarati Mid-day Correspondent

ચીનની લાઇવ-ફાયર લશ્કરી કવાયતથી ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનો ખતરો

ગઈ કાલે સવારે તાઇવાન સામુદ્રધુની પરથી પસાર થતાં ચાઇનીઝ હેલિકૉપ્ટર્સ

ચીને તાઇવાનને ઘેરીને છ જગ્યાએ ગઈ કાલથી અભૂતપૂર્વ લાઇવ-ફાયર લશ્કરી કવાયત શરૂ કરી હતી. અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટિટવ્સનાં સ્પીકર નૅન્સી પેલોસીની તાઇવાન મુલાકાતના એક દિવસ બાદ ચીન વધુ આક્રમક બન્યું છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનના આર્મ્ડ ફોર્સિસે ગઈ કાલે તાઇવાનના દરિયાકિનારાની નજીક અનેક ડૉન્ગફૅન્ગ બૅલેસ્ટિક મિસાઇલ્સ ફાયર કરી હતી.

ચીને બૅલિસ્ટિક મિસાઇલ ફાયર કર્યાં હતાં અને સાથે ફાઇટર જેટ્સ અને યુદ્ધજહાજો પણ તહેનાત કર્યાં હતાં. ચીને મિસાઇલો ફાયર કરતાં તાઇવાનનાં મોટા ભાગનાં જહાજોએ એમનો રસ્તો બદલવો પડ્યો છે. આ જહાજો હવે તાઇવાનની પૂર્વ દિશામાંથી જઈ રહ્યાં છે, જેના કારણે ઓછામાં ઓછા ત્રણ દિવસનો વિલંબ થશે.

ચીનની સરકારી ટીવી-ચૅનલ સીસીટીવીએ ગઈ કાલે જણાવ્યું હતું કે લશ્કરી કવાયત શરૂ થઈ છે અને એનો રવિવારે અંત આવશે, જેમાં તાઇવાનની ફરતે જળ અને ઍરસ્પેસમાં લાઇવ ફાયરિંગ સામેલ છે. તાઇવાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ લશ્કરી કવાયત સંયુક્ત રાષ્ટ્રના નિયમોનો ભંગ છે. ચીને તાઇવાનના પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે. તાઇવાનની શાસક ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ કહ્યું હતું કે ચીન સૌથી બિઝી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ અને એવિયેશન રૂટ પર લશ્કરી કવાયત કરી રહ્યું છે, જે બિનજવાબદાર અને અયોગ્ય વર્તાવ છે.

તાઇવાનની ફરતે ચીનની આ લશ્કરી કવાયતથી ખૂબ જ બિઝી શિપિંગ ઝોનની કામગીરી ખોરવાઈ શકે છે. વાસ્તવમાં આ રૂટ પરથી તાઇવાનમાંથી મહત્ત્વપૂર્ણ સેમીકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રૉનિક ઇક્વિપમેન્ટ દુનિયાનાં બજારોમાં જાય છે. વાસ્તવમાં દુનિયાનાં અડધોઅડધ કન્ટેનર શિપ્સ તાઇવાન સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, જે તાઇવાનને ચાઇનીઝ મેઇનલૅન્ડથી અલગ કરે છે.  

વાસ્તવમાં કોરોનાની મહામારી અને એ પછી યુક્રેન પર રશિયાના યુદ્ધથી વૈશ્વિક સ્તરે પુરવઠાની સાંકળ ખોરવાઈ ગઈ હતી. હવે એમાં સહેજ પણ ખલેલ પહોંચે તો એની મોટી કિંમત ચૂકવવી પડે. 

યુદ્ધ થાય તો આ વસ્તુઓની અછત થઈ શકે

જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો સમગ્ર દુનિયામાં ચિપની શૉર્ટેજ સર્જાઈ શકે છે. વાસ્તવમાં દુનિયાના અનેક દેશો ચિપ માટે તાઇવાન પર નિર્ભર છે. દુનિયામાં સેમીકન્ડક્ટર્સથી થનારી કુલ કમાણીનો ૫૪ ટકા હિસ્સો તાઇવાન કંપનીઓની પાસે છે. ચોક્કસ જ યુદ્ધની સ્થિતિમાં દુનિયાભરમાં મોબાઇલ ફોન, લૅપટૉપ, ઑટોમોબાઇલ, હેલ્થકૅર અને હથિયારોના પ્રોડક્શનમાં મુશ્કેલી સર્જાશે, જેના લીધે આ વસ્તુઓની અછત થઈ શકે છે.

international news china taiwan