ઈરાનની ઑથોરિટી મહિલાઓ સમક્ષ ઝૂકી ગઈ, મૉરૅલિટી પોલીસને રજા આપવી પડી

05 December, 2022 10:36 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

મોન્તઝેરીએ શનિવારે જણાવ્યું હતું કે આ કાયદામાં કોઈ ફેરફારની જરૂર છે કે નહીં એ મુદ્દે સંસદ અને ન્યાયતંત્ર બન્ને કામગીરી કરી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

તેહરાન : ઈરાનની ઑથોરિટીએ આખરે બૅકફુટ પર આવવું પડ્યું છે. દેશના સ્ટ્રિક્ટ ફીમેલ ડ્રેસ કોડનો કથિત રીતે ભંગ કરવા બદલ મહસા અમિની નામની યુવતીની ધરપકડને પગલે વ્યાપેલા વિરોધ પ્રદર્શનના બે મહિના કરતાં વધારે સમય બાદ ઈરાને એની મૉરૅલિટી પોલીસને વિખેરી નાખી છે.

ગશ્ત-એ-એરશાદ કે ‘ગાઇડન્સ પૅટ્રોલ તરીકે જાણીતી મૉરૅલિટી પોલીસની પ્રેસિડન્ટ મહમૂદ અહમદીનેજાદ હેઠળ સ્થાપના કરવામાં આવી હતી. જેનો હેતુ ‘મર્યાદાનું પાલન અને હિજાબના કલ્ચરનો ફેલાવો’ હતો. આ યુનિટે ૨૦૦૬માં પૅટ્રોલિંગની શરૂઆત કરી હતી. 

૧૬મી સપ્ટેમ્બરે કુર્દિશ મૂળની મહસાની તેહરાનમાં મૉરૅલિટી પોલીસ દ્વારા ધરપકડના ત્રણ દિવસ બાદ મોત બાદથી સમગ્ર ઈરાનમાં મહિલાઓએ ઑથોરિટીની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઈરાનના ઍટર્ની જનરલ મોહમ્મદ જફર મોન્તઝેરીએ કહ્યું હતું કે ‘મૉરૅલિટી પોલીસને જ્યુડિશ્યરીની સાથે કોઈ જ નિસબત નથી.’ એક ધાર્મિક પરિષદમાં એક વ્યક્તિના સવાલના જવાબમાં તેમણે આમ જણાવ્યું હતું. 

નોંધપાત્ર છે કે આ પહેલાં ઈરાનની ઑથોરિટીઝે જણાવ્યું હતું કે તેઓ ફરજિયાત હિજાબના એક દશક જૂના કાયદાની સમીક્ષા કરશે. મોન્તઝેરીએ શનિવારે જણાવ્યું હતું કે આ કાયદામાં કોઈ ફેરફારની જરૂર છે કે નહીં એ મુદ્દે સંસદ અને ન્યાયતંત્ર બન્ને કામગીરી કરી રહ્યાં છે. જોકે તેમણે એ જણાવ્યું નથી કે સંસદ અને ન્યાયતંત્ર દ્વારા આ કાયદામાં કેવા ફેરફાર કરવામાં આવશે. 

international news iran tehran