અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર આત્મઘાતી હુમલોઃ 27 શ્રદ્ધાળુઓનાં મોત

26 March, 2020 02:57 PM IST  |  Kabul | Agencies

અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર આત્મઘાતી હુમલોઃ 27 શ્રદ્ધાળુઓનાં મોત

અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર આત્મઘાતી હુમલોઃ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદીઓએ બુધવારે એક ગુરુદ્વારાને નિશાન બનાવ્યું હતું. ફિદાયીન હુમલો સવારે ૭.૩૦ વાગ્યે થયો હતો. આ સમયે સિખ સમુદાયના બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રાર્થના માટે એકઠા થયા હતા. આ બ્લાસ્ટમાં ૨૭ શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. જ્યારે ૮ વ્યક્તિઓને ઈજા થઈ છે. હુમલા પછી સુરક્ષાદળોએ ગુરુદ્વારાની ઘેરાબંધ કરીને વળતી કાર્યવાહી કરી હતી. જેમાં ૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ૧૬ વધુ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૪૦થી વધારે શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અફઘાનિસ્તાનમાં લગભગ ૩૦૦ સિખ પરિવાર રહે છે. તેમની સંખ્યા કાબુલ અને જલાલાબાદમાં વધુ છે. આ બે શહરોમાં ગુરુદ્વારા પણ છે.

કાયદાના જાણકાર નરીન્દ્રસિંહ ખાલસાએ જણાવ્યું કે તેમને ગુરુદ્વારામાંથી ફોન આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે ગુરુદ્વારામાં ૧૫૦થી વધુ લોકો ઉપસ્થિત છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે ટ્વીટ કરીને કહ્યું કે આ હુમલામાં તેમના સંગઠનને કોઈ લેવાદેવા નથી. તેમણે હુમલો કરાવ્યો નથી.

અવારનવાર અલ્પસંખ્યક સિખ અને હિન્દુઓના ધાર્મિક સ્થળો પર અફઘાનિસ્તાનમાં હુમલા થતા રહે છે. આ પહેલાં ૨૦૧૮માં રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુલાકાત કરવા જઈ રહેલા હિન્દુઓ અને સિખ લોકો પર આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં ૧૯ સિખ અને હિન્દુનાં મોત થયાં હતાં. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. આ પ્રકારના હુમલાઓના કારણે હિન્દુઓ અને સિખોએ દેશ છોડવાનો નિર્ણય કર્યો છે. ત્રણ વર્ષમાં ઘણા પીડિતોએ ભારતમાં શરણ માગી છે.

afghanistan kabul international news terror attack