અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે ન થવો જોઈએ:બ્રિક્સ દેશોનો કૉલ

10 September, 2021 11:22 AM IST  |  Mumbai | Agency

હિમંત સરમાએ સિંગલ એન્જિન ધરાવતી ખાનગી બોટને તાત્કાલિક અસરથી મજુલી તરફ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ જાહેરાત કરી હતી કે નવેમ્બર, ૨૦૨૧થી જોરહટ અને મજુલી વચ્ચે પુલ બાંધવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

બોટ દુર્ઘટનાના મુદ્દે ક્રિમિનલ કેસ દાખલ કરાશે : મુખ્ય પ્રધાન

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બુધવારે સાંજે બ્રહ્મપુત્રા નદીમાં મજુલી તરફ જઈ રહેલી બોટ બીજી બોટ સાથે ટકરાતાં ઊંધી વળી જવાની જે હોનારત થઈ એ બાબતમાં ફોજદારી કેસ દાખલ કરવાનો ગઈ કાલે આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તથા બે વ્યક્તિ હજી ગુમ છે. હિમંત સરમાએ સિંગલ એન્જિન ધરાવતી ખાનગી બોટને તાત્કાલિક અસરથી મજુલી તરફ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ જાહેરાત કરી હતી કે નવેમ્બર, ૨૦૨૧થી જોરહટ અને મજુલી વચ્ચે પુલ બાંધવામાં આવશે. આ પુલ ચાર વર્ષમાં તૈયાર કરી દેવાશે.
દરમ્યાન મુખ્ય પ્રધાને ગઈ કાલે દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધા પછી સંકેત આપ્યો હતો કે ગેરવ્યવસ્થાને પરિણામે આ બનાવ બન્યો હતો.

પ્રધાને રસ્તા પર બેસવું પડ્યું
બ્રહ્મપુત્રા નદીમાં બુધવારે સાંજે બનેલી બોટ દુર્ઘટના સંદર્ભમાં ગેરવ્યવસ્થા સામેના વિરોધમાં ગઈ કાલે આસામના મજુલીમાં વિરોધ ફાટી નીકળ્યો હતો, જેને પગલે પોલીસને સ્ટુડન્ટ્સ સહિત અન્ય પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વા શર્માની મુલાકાત પહેલાં મજુલી પહોંચેલા ઉર્જા ખાતાના પ્રધાન બિમલ બોરાહનો વિરોધકર્તા સ્ટુડન્ટ્સે ઘેરાવ કર્યો હતો જેને પગલે પ્રધાને રસ્તા પર બેસી જવું પડ્યું હતું. 

અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદની પ્રવૃત્તિ માટે ન જ થવો જોઈએ : બ્રિક્સ દેશોનો કૉલ

બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા સહિતના દેશોથી બનેલા બ્રિક્સ રાષ્ટ્ર-સમૂહે ગઈ કાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાનમાં યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગમાં એવો કૉલ આપ્યો હતો કે ૅઅફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય દેશો વિરુદ્ધની આતંકવાદની પ્રવૃિત્તને ઉત્તેજન આપવા માટે ન જ થવો જોઈએ.’
આ અત્યંત મહત્વની મીટિંગમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિન્ગે ભાગ લીધો હતો. બીજા બે મેમ્બર દેશોના વડાએ પણ મીટિંગમાં પોતાના મંતવ્યો આપ્યા હતા અને અફઘાનિસ્તાનમાં વહેલાસર શાંતિ પ્રસ્થાપિત થાય એવી અપીલ પણ મોદી સહિતના તમામ નેતાઓએ આ બેઠકમાં કરી હતી.

અફઘાનના મુક્ત કેદીઓની મદદથી કાશ્મીરમાં અશાંતિ સર્જવા આઇએસઆઇનું ષડયંત્ર

જમ્મુ અને કાશ્મીરમાં મોટા પાયે અશાંતિ સર્જવા પાકિસ્તાનની ગુપ્તચર શાખા ઇન્ટર સર્વિવિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકેમાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ (આઇએસકેપી) કેડરના જવાનોને મોકલી રહી છે.  છેલ્લે મળેલી ગુપ્ત માહિતી મુજબ આ આઇએસકેપી કેડરના જવાનો હકીકતમાં હાલમાં જ અફઘાનિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા બાદ પાકિસ્તાન પાછા ફર્યા છે  અને હવે આઇએસઆઇ તેમને કાશ્મીરમાં આતંક ફેલાવવાના આશય સાથે પીઓકેમાં મોકલી રહી છે. 
કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ આઇએસકેપી કમાન્ડર મુનસિબની ગતિવિધિ પર નજર રાખી રહી છે. મુનસિબ કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે વિવિધ આતંકવાદી સંગઠનો સાથે ગોઠવણ કરી રહ્યો છે. કેટલાક મહિનાઓથી તેઓ સોશ્યલ મીડિયા પર સક્રિય છે.

રાજ્યસભાની સાત બેઠક માટે ચોથીએ પેટાચૂંટણી યોજાશે

ચૂંટણી પંચે છ રાજ્યોમાં રાજ્યસભાની જે કુલ સાત બેઠકો ખાલી પડી છે એની પેટાચૂંટણીની તારીખ ગઈ કાલે જાહેર કરી હતી. તમામ સાત બેઠકોની પેટાચૂંટણી ચોથી ઑક્ટોબરે યોજાશે. તામિલનાડુમાં બે તેમ જ પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, પુડુચેરી તથા મધ્ય પ્રદેશમાં એક-એક બેઠકની પેટાચૂંટણી થશે. મહારાષ્ટ્રમાં મે મહિનામાં કૉન્ગ્રેસના નેતા રાજીવ સાતવના નિધનને પગલે રાજ્યસભાની બેઠક ખાલી પડી હતી.

આઇઆઇટી મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા ઘોષિત કરાઈ

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસે દેશભરની ટોચની આઇઆઇટી સંસ્થાઓમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, સંશોધનો કરતી દેશની શ્રેષ્ઠ સંસ્થાઓમાં બૅન્ગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અવ્વલ જાહેર થઈ છે.

કેરલામાં કૅથલિક છોકરીઓ જેહાદનો શિકાર બને છે

કેરલાના સાયરો માલાબાર ચર્ચ પાલા પંથના બિશપ એમ. જોસેફ કલ્લારંગટ્ટએ ગઈ કાલે કોટ્ટાયમ જિલ્લાના કુરુવિલંગડુમાં તેમના પંથના એક ચર્ચમાં ઉજવણી દરમ્યાન કહ્યું હતું કે કેરલામાં હવે કૅથલિક છોકરીઓ ‘લવ અને કેફી દ્રવ્યોની જેહાદ’નો શિકાર બની રહી છે. 

હુસેન સાગરમાં ગણેશજીની મૂર્તિ પધરાવવાની મનાઈ

તેલંગણ હાઈ કોર્ટે શહેરના અધિકારીઓને હુસેન સાગરમાં પ્લાસ્ટર ઑફ પૅરીસથી બનેલી મૂર્તિઓને વિસર્જિત કરવાની પરવાનગી ન આપવા આદેશ આપ્યો હતો. 
ચીફ જસ્ટિસની બેન્ચે અધિકારીઓને વિસર્જનને લગતા અન્ય કેટલાક પ્રતિબંધો પણ લાગુ કર્યા હતા.

international news taliban afghanistan