યુકે બાદ ફ્રાન્સમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવતાં ખળભળાટ

27 December, 2020 01:17 PM IST  |  New Delhi | Agencies

યુકે બાદ ફ્રાન્સમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવતાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

ફ્રાન્સમાં પણ કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયે એ વાતની પુષ્ટિ કરી છે. ત્યાંની સ્થાનિક મીડિયાએ આરોગ્ય મંત્રાલયનો હવાલો આપીને જણાવ્યું કે બ્રિટનથી હાલમાં જ પાછો આવેલ એક ફ્રાન્સનો નાગરિક ટ્યુર્સ શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જોકે હજી આ વ્યક્તિમાં સંક્રમણનાં કોઈ લક્ષણ તો દેખાયાં નથી, પરંતુ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. સાવચેતીરૂપે વ્યક્તિને હાલમાં હોમ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યો છે. આ વ્યક્તિ ૧૯ ડિસેમ્બરે લંડનથી આવ્યો હતો. ૨૧ ડિસેમ્બરે એક હૉસ્પિટલમાં વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી. બ્રિટનનો આ નવો કોરોના સ્ટ્રેનનો કેસ નેધરલૅન્ડ, જર્મની, ઑસ્ટ્રેલિયા સહિત અન્ય દેશમાં પણ જોવા મળ્યો છે.
બ્રિટન અને દક્ષિણ આફ્રિકા બાદ હવે આફ્રિકી દેશ નાઇજિરિયામાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળ્યો છે. ગુરુવાર (૨૪ ડિસેમ્બર)ના રોજ આફ્રિકાના મોટા સાર્વજનિક આરોગ્ય અધિકારીએ આ વાતની પુષ્ટિ કરીને કહ્યું કે નાઇજિરિયામાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. તેમણે એ પણ કહ્યું કે બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના કોરોના સ્ટ્રેનથી નાઇજિરિયામાં જોવા મળેલ સ્ટ્રેન અલગ છે. બુધવારે (૨૩ ડિસેમ્બર) બ્રિટનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલ બે મુસાફરમાં કોરોનાનો એક નવો સ્ટ્રેન મળ્યો છે. આ નવા સ્ટ્રેનને બ્રિટિશ આરોગ્ય મંત્રીએ ૭૦ ટકા વધુ સંક્રમક બતાવ્યો હતો.

international news coronavirus covid19 france united kingdom