પ્રજાસત્તાક દિનના મેનુમાંથી ઢોકળા, ફાફડા અને થેપલાં ગાયબ

08 December, 2014 05:24 AM IST  | 

પ્રજાસત્તાક દિનના મેનુમાંથી ઢોકળા, ફાફડા અને થેપલાં ગાયબ


વાઇટ હાઉસના પ્રવક્તા જૉશ અર્નેસ્ટે કહ્યું હતું કે ઓબામાને કોઈ ગંભીર બીમારી નથી. પ્રેસિડન્ટના ડૉક્ટર રૉની જૅક્સને કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ઓબામાના ગળામાં હળવું દર્દ હોવાથી અગમચેતીના પગલારૂપે તેમનું ઘ્વ્ સ્કૅન પણ કરવામાં આવ્યું હતું.અમેરિકી મીડિયામાં ચર્ચા હતી કે વાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ માટે તમામ પ્રકારની આધુનિક મેડિકલ સર્વિસ ઉપલબ્ધ હોવા છતાં તેમને મિલિટરી સેન્ટરમાં દાખલા કરવા પાછળ કોઈક વિશેષ કારણ હોવું જોઈએ. જોકે વાઇટ હાઉસની સ્પષ્ટતા પછી આવી ચર્ચા બંધ થઈ હતી અને પ્રેસિડન્ટને ઍસિડ રિફલેક્સનું ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હોવાનું બહાર આવ્યું હતું. આને કારણે તેઓ તીખાં-તમતમતાં અને ચટાકેદાર-મસાલેદાર વ્યંજનો આરોગે તો (હાર્ટ-બર્ન) હૃદયમાં બળતરા થાય છે.


ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવશે અને દિલ્હીમાં ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય મહેમાન બનવાના છે. આ મોંઘેરા મહેમાન માટે ભારતે જાતજાતની વાનગીઓનું મેનુ તૈયાર કર્યું છે એમાં હવે ફેરફાર થશે. મળતી માહિતી પ્રમાણે ઓબામા તીખાં વ્યંજનોથી દૂર રહેશે એથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની જેમ ઢોકળા, થેપલાં અને ફાફડા જેવાં સ્પાઇસી અને તળેલાં વ્યંજનો નહીં આરોગી શકે. ઓબામાએ ઘણા સમય પહેલાં જ સિગારેટ પીવાનું છોડી દીધું છે, પરંતુ ક્યારેક બિયરની ચૂસકીઓ લેતા જોવા મળે છે. ઓબામાએ એક મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે દાળ અને ખીમા જેવાં ભારતીય વ્યંજનો તેઓ જાતે બનાવી શકે છે. જોકે ઓબામાનાં પત્ની મિશેલ ઓબામા જંક-ફૂડનાં શોખીન છે. ટૂંકમાં કહીએ તો વાત એમ છે કે ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ ઓબામા ભારતમાં હશે ત્યારે તેમનું જમવાનું મેનુ તૈયાર કરવામાં સાવધાની રાખવી પડશે અને એમાં ઢોકળા, ફાફડા અને થેપલાં જેવી ગુજરાતી વાનગીઓ નહીં હોય.