સર્વનાશથી બચવા ફ્રાન્સના બ્યુગારાશ ગામમાં મોટી સંખ્યામાં લોકો ધસી આવશે

17 December, 2012 03:03 AM IST  | 

સર્વનાશથી બચવા ફ્રાન્સના બ્યુગારાશ ગામમાં મોટી સંખ્યામાં લોકો ધસી આવશે



અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશને એની વેબસાઇટ પર ખાસ પેજ મૂકીને ખાતરી આપી છે કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંતબંત જેવું કશું જ નથી થવાનું તેમ છતાં પણ દુનિયાભરમાં લાખો લોકો આ અફવાને સાચી માની રહ્યા છે અને અનેક લોકોએ તેનાથી બચવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આવી જ તૈયારીના ભાગરૂપ મોટી સંખ્યામાં લોકો ફ્રાન્સમાં આવેલા પિક દ બ્યુગારાશ નામના પહાડીની તળેટીમાં આવેલા બ્યુગારાશ નામના ગામમાં દોડી આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી અફવા છે કે પ્રલય થશે ત્યારે જે લોકો પિક દ બ્યુગારાશ પર્વત પર હશે તેઓ જ બચી શકશે. પૃથ્વી પર ક્યાંક વસતા પરગ્રહવાસીઓને આ પર્વત પરથી યાનમાં બેસીને સ્પેસમાં જતા રહેશે અને એ વખતે જે લોકો પર્વત પર હશે તેમને જ ઍલિયન્સ પોતાની સાથે લઈ જશે.

બ્યુગારાશ ગામના સત્તાધીશોએ આ પર્વત પર ચઢવાની મનાઈ ક્યારની ફરમાવી દીધી છે. છતાં ઘણા લોકો ૨૧ ડિસેમ્બરે પર્વત પર ચઢાઈ કરવાનો પ્રયાસ કરશે એવી શક્યતા છે. માત્ર બે શેરી, એક દુકાન અને બે રેસ્ટોરાં ધરાવતા આ ગામની વસ્તી માત્ર ૧૭૯ છે. ગામના વડા જીન-પિર દેર્લોડે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટેનો પ્લાન બનાવી રાખ્યો છે. આ પ્લાનના ભાગરૂપ બુધવારથી પાંચ દિવસ માટે ગામમાં પ્રવેશવાના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવશે. માત્ર ગામના રહેવાસીઓને જ અવરજવરની મંજૂરી મળશે. એટલું જ નહીં, તેમણે પોલીસ અને આર્મીની પણ મદદ માગી છે. સેંકડો વર્ષ વર્ષ પહેલાં લેટિન અમેરિકામાં પાંગરેલી મય સંસ્કૃતિનાં ૫૧૨૫ વર્ષ લાંબા કૅલેન્ડરનો ૨૧ ડિસેમ્બરે અંત આવશે અને આ સાથે જ પૃથ્વી પર પ્રલય આવશે એવી અફવા કોઈકે વહેતી કરી દીધી હતી.  

વાતનું વતેસર

ઑલ ઇઝ વેલની વિજ્ઞાનીઓની ખાતરી છતાં ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંત આવશે જ એવું માનનારાઓની સંખ્યા ઓછી નથી