બંગલા દેશથી આવેલી વ્યક્તિ ભારતમાં MNC કંપનીનો CEO બને એવી ઇચ્છા: નડેલા

15 January, 2020 03:44 PM IST  |  New York

બંગલા દેશથી આવેલી વ્યક્તિ ભારતમાં MNC કંપનીનો CEO બને એવી ઇચ્છા: નડેલા

સત્યા નડેલા

માઇક્રોસૉફ્ટ કંપનીના સીઈઓ (મૂળ ભારતીય) સત્યા નડેલાએ ગઈ કાલે નાગરિકતા કાયદા બાબતે ચિંતા દર્શાવતાં જણાવ્યું હતું કે ‘જે કંઈ બની રહ્યું છે એ નિરાશાજનક છે. મારો જન્મ અને ઉછેર ભારતમાં થયો છે એટલે મને ચિંતા થાય છે. નવા નાગરિકતા કાયદા હેઠળ આવતી કાલે બંગલા દેશથી આવેલ વ્યક્તિ ભારતના અર્થતંત્રને લાભદાયક મલ્ટિ નૅશનલ કંપનીના સીઈઓ બને તો એ મારે માટે ખુશીનો વિષય છે.’

હૈદરાબાદમાં જન્મેલા બાવન વર્ષના સત્યા નડેલાએ જણાવ્યું હતું કે ‘દરેક દેશે રાષ્ટ્રની સલામતી વ્યવસ્થાના રક્ષણ માટે સાવધ રહેવું જોઈએ અને એ પ્રમાણે ઇમિગ્રેશન પૉલિસી ઘડવી જોઈએ. દરેક દેશે નિશ્ચિત સીમાંકનો નિર્ધારિત કરવા જોઈએ. લોકતંત્રોમાં લોકો અને તેમની જનતા અને સરકારો ચર્ચા કરીને તેમની ક્ષિતિજો અને મર્યાદાઓ નક્કી કરશે.’

ન્યુ યૉર્કમાં માઇક્રોસૉફ્ટ કંપનીના એક કાર્યક્રમ નિમિત્તે વિવિધ અખબારો અને ટીવી ચૅનલ્સના તંત્રીઓ સાથે વાતચીત કરતાં સત્યા નડેલાએ જણાવ્યું હતું કે ‘હું ભારતીય પરંપરામાં ઘડાયો છું. ભારતની બહુરંગી સંસ્કૃતિમાંથી આવ્યા બાદ અમેરિકામાં ઇમિગ્રન્ટ રૂપે મારો અનુભવ છે. કોઈ ઇમિગ્રન્ટ ભારતમાં નવા સમૃદ્ધ સ્ટાર્ટ અપ કરીને કે મલ્ટિ નૅશનલ કંપનીનું નેતૃત્વ સંભાળીને ભારતના અર્થતંત્રને લાભકારી પ્રવૃત્તિમાં સક્રિય બને એવું હું ઇચ્છું છું. અમેરિકામાં મને જે રીતે અવસરો મળ્યા એ રીતે ભારતમાં ઇમિગ્રન્ટ્સને અવસરો મળે એવી હું આશા રાખું છું. કોઈ બંગલાદેશી ઇમિગ્રન્ટ ભારતમાં યુનિકોર્ન કંપની સ્થાપે કે ઇન્ફોસિસનો સીઈઓ બને એવું હું ઇચ્છું છું. અમેરિકામાં મને ટેક્નૉલૉજી પ્રાપ્ત થઈ અને અહીંની ઇમિગ્રેશન પૉલિસીના રૂપરંગ અનુભવ્યા છે.’

international news satya nadella