પ્રત્યર્પણ કેસ ચુકાદાના 5 દિ' પહેલા માલ્યાએ કહ્યું- બધું દેવું ચૂકવીશ

27 December, 2018 03:00 PM IST  |  London

પ્રત્યર્પણ કેસ ચુકાદાના 5 દિ' પહેલા માલ્યાએ કહ્યું- બધું દેવું ચૂકવીશ

માલ્યા પર ભારતીય બેંકોનું 9000 કરોડ રૂપિયાનું દેવું છે. (ફાઇલ)

ભાગેડુ જાહેર કરાયેલ લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ પ્રત્યર્પણ પર ચુકાદો આવવાના 5 દિવસ પહેલા કહ્યું છે કે તે સંપૂર્ણ દેવું ચૂકવવા માટે તૈયાર છે. માલ્યાએ ટ્વિટ દ્વારા ભારતીય બેંકો અને સરકારને અપીલ કરી છે કે તેની આ પ્રપોઝલ સ્વીકારી લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે માલ્યા પર ભારતીય બેંકોનું 9000 કરોડ રૂપિયાનું દેવું છે. તેના ભારત પ્રત્યર્પણ પર UKની કોર્ટ 10 ડિસેમ્બરના રોજ ચુકાદો આપી શકે છે.

વિજય માલ્યાએ જણાવ્યું છે કે, "પ્રત્યર્પણ અંગે ચુકાદાનો મામલો અલગ છે. તેમાં કાયદા પ્રમાણે કાર્યવાહી થશે. પરંતુ જનતાના પૈસાની ચૂકવણી મહત્વની બાબત છે અને હું 100% રકમ ચૂકવવા માટે તૈયાર છું."

માલ્યાએ કહ્યું, "નેતા અને મીડિયા તેના ડિફોલ્ટર હોવાની અને સરકારી બેંકો પાસેથી લોન લઈને ભાગી જવાની વાત જોરશોરથી કરી રહ્યા છે. આ ખોટું છે. મારી સાથે યોગ્ય વર્તન કેમ નથી થઈ રહ્યું? વર્ષ 2016માં જ્યારે મેં કર્ણાટક હાઇકોર્ટમાં સેટલમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે તેનો પ્રચાર કેમ કરવામાં ન આવ્યો?"

માલ્યાની દલીલ છે કે 'હવાઈ ઇંધણ મોંઘું થવાને કારણે કિંગફિશર એરલાઇન્સની હાલત ખરાબ થઈ ગઈ. એરલાઇન્સ 140 ડોલર પ્રતિ બેરલના સૌથી ઊંચા ક્રૂડભાવોના તબક્કામાંથી પસાર થઈ હતી. તેના કારણે ખોટ ગઈ અને બેંકો પાસેથી લીધેલી લોનની રકમ ખર્ચ થઈ ગઈ. મેં સંપૂર્ણ મૂડી ચૂકવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.'

માલ્યા જણાવે છે કે કિંગફિશર ત્રણ દાયકા સુધી ભારતનું સૌથી મોટું આલ્કોહોલિક બેવરેજ ગ્રુપ હતું. આ દરમિયાન અમે સરકારી ખજાનામાં હજારો કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું. કિંગફિશર એરલાઇન્સને ગુમાવ્યા પછી પણ હું બેંકોના નુકસાનની ભરપાઈ માટે તૈયાર છું.

માલ્યાના પ્રત્યર્પણ મામલે 10 ડિસેમ્બરના રોજ ચુકાદો આવવાની અપેક્ષા

વિજય માલ્યાના પ્રત્યર્પણનો મામલો લંડનના વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ 10 ડિસેમ્બરના રોજ ચુકાદો આપી શકે છે. કોર્ટમાં 12 સપ્ટેમ્બરના રોજ છેલ્લી સુનાવણી થઈ હતી. માલ્યા પર ભારતીય બેંકો પાસેથી લીધેલી લોન નહીં ચૂકાવવાનો આરોપ છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો.

vijay mallya kingfisher