મોદી ઈચ્છે તો કાશ્મીર મુદ્દા પર અમે મધ્યસ્થી બનવા તૈયારઃ ડોનલ્ડ ટ્રમ્પ

03 August, 2019 09:10 AM IST  |  વૉશિંગ્ટન

મોદી ઈચ્છે તો કાશ્મીર મુદ્દા પર અમે મધ્યસ્થી બનવા તૈયારઃ ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મામલે નિવેદન આપ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે મધ્યસ્થતાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરવાનું છે. ટ્રમ્પે કહ્યું કે મેં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી છે. મને લાગે છે કે બંને નેતાઓએ એકસાથે આવવું જોઈએ.

આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કાશ્મીર મુદ્દે કોઈએ મધ્યસ્થતા કરવી જોઈએ, તો તેઓ મદદ કરી શકે છે. મેં આ અંગે ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે. આમ કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાના અગાઉના નિવેદન પર આકરી નિંદાનો ભોગ બનવા છતાં ડોનલ્ડ ટ્રમ્પે ફરી આ પ્રકારનું નિવેદન આપ્યું છે.

ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ભારત અને પાકિસ્તાન પર નિર્ભર કરે છે કે તેઓ કાશ્મીર મામલે કોઈની મદદ લેવા ઇચ્છે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો, જેના પર વિવાદ છંછેડાઈ ગયો હતો.

ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા અંગે વાત કરી હતી. ડોનલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ભારતમાં ઘણો વિવાદ થયો હતો.

કાશ્મીર પર વાત માત્ર પાકિસ્તાન સાથે થશેઃ એસ. જયશંકર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર પર મધ્યસ્થતાની વાત કહી છે. આ અહેવાલ મીડિયામાં આવ્યા બાદ કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત કાશ્મીર પર જો ચર્ચા કરશે તો માત્ર પાકિસ્તાન સાથે કરશે અને તેના માટે કોઈ પણ દેશની મધ્યસ્થતાની જરૂર નથી. વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ સાથે ચર્ચા દરમ્યાન કહ્યું કે ભારત કાશ્મીર મુદ્દે કોઈ પણ દેશને સામેલ નહીં કરાય. તે દ્વિપક્ષીય મંત્રણા હશે.

આ પણ વાંચો : ભારતમાં જન્મેલી ડૉ. ભાષા મુખર્જી બની મિસ ઈંગ્લેન્ડ

વિદેશપ્રધાને શુક્રવારે બૅંગકૉકમાં પોતાના અમેરિકન સમકક્ષની સાથે મુલાકાત કરી અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. બેઠક બાદ તેઓએ ટ્વીટ કર્યું કે તેઓએ કાશ્મીર પર ભારતના વલણને પોમ્પિઓને જણાવી દીધું છે.

donald trump washington narendra modi