યુએનમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરાય એવી શક્યતા

01 May, 2019 11:42 AM IST  |  નવી દિલ્હી : | (જી.એન.એસ.)

યુએનમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરાય એવી શક્યતા

મસૂદ અઝહર

ભારત અને મોદી સરકાર માટે એક મેના રોજ યુનાઇટેડ નૅશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (યુએનએસસી)માંથી જીતના સમાચાર મળી શકે છે. સૂત્રો તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર એક મેના રોજ યુએનએસસીમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે ચીન એક મેના રોજ મસૂદ અઝહર પર લગાડવામાં આવેલા ટેક્નિકલ હોલ્ડને હટાવી શકે છે. ચીને માર્ચમાં ચોથી વાર યુએનની પ્રતિબંધ સમિતિ સામે અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાના ભારતના પ્રસ્તાવ પર ટેક્નિકલ હોલ્ડ લગાવી દીધો હતો. યુએનમાં જૈશ પર પહેલાં જ પ્રતિબંધ લાગેલો છે.

ગ્લોબલ ટેરરિસ્ટનું ટૅગ મળવું માત્ર ભારત માટે નહીં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે પણ એક મોટી રાજકીય જીત હશે. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ સતત ભારત તરફથી એના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા.

બે મહિના બાદ પાકિસ્તાને ભારતીય પત્રકારોને બાલાકોટ લઈ જવાની ઑફર કરી

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ચાલતા આતંકવાદી કૅમ્પ પર કરેલી ઍર-સ્ટ્રાઈકના બે મહિના પછી હવે પાકિસ્તાને ભારતના પત્રકારોને બાલાકોટ લઈ જવાની ઑફર કરી છે.

પાકિસ્તાન ભારતે કરેલા હુમલામાં કોઈ નુકસાન નહીં થયું હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે જો ખરેખર પોતાનો દાવો સાચો કરવો હતો તો પાકિસ્તાનને બાલાકોટ હુમલા પછી તરત જ ભારતના પત્રકારોને લઈ જવાની જરૂર હતી.

આ પણ વાંચો: માતાઓની ઓછી થશે ચિંતાઃ હવે ઘોડિયું જ રડતા બાળકને સુવડાવશે

બે મહિના સુધી પુરાવાનો નાશ કર્યા બાદ પાકિસ્તાને કરેલી ઑફરની સોશ્યલ મીડિયા પર ભારતીયો સ્વાભાવિક રીતે જ મજાક ઉડાવી રહ્યા છે.

united nations new delhi