બરફવર્ષા પછી કેલિફોર્નિયામાં તોફાનનો કેર, પૂરથી જનજીવન અસરગ્રસ્ત

03 February, 2019 07:07 PM IST  |  કેલિફોર્નિયા, યુએસ

બરફવર્ષા પછી કેલિફોર્નિયામાં તોફાનનો કેર, પૂરથી જનજીવન અસરગ્રસ્ત

કેલિફોર્નિયામાં આવ્યું તોફાન.

અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં બરફવર્ષા પછી હવે તોફાને કેર વર્તાવ્યો છે. દક્ષિણ કેલિફોર્નિયામાં પૂરના કારણે જનજીવન અસર પામ્યું છે. પાણી ભરાવાને કારણે મુખ્ય હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંયા રસ્તાઓ પર કાદવ થઈ ગયો છે. પૂરના કારણે હજારો લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, દક્ષિણ કેલિફોર્નિયામાં ચાર ઇંચ (10 સેમી) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પહાડો પર અનેક ફૂટ બરફ જમા થઈ ગયો છે.

પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા

સાંતા બાર્બરા કાઉન્ટીમાં 128 મીલ પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી. દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદનો અંદાજદ એ વાતથી લગાવી શકાય છે કે માત્ર પાંચ મિનિટમાં જ અડધો ઇંચ (1.27 સેન્ટિમીટર)થી વધુ વરસાદ પડ્યો. તોફાનને કારણે અહીંયા ઘણા વૃક્ષો ઉખડી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા વીજળી પણ ઠપ્પ છે. સાંતા બાર્બરા કાઉન્ટીના પ્રવક્તા માઇક એલીસને કહ્યું કે પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઘણી કારોને પણ પૂરમાંથી બહાર કાઢવામાં આવી છે. માઇક એલીસને કહ્યું કે લોકોને અન્ય રસ્તાઓથી થઈને જવાની સલાહ આપવામાં આવી છે. જણાવી દઈએ કે પૂરની સૌથી વધુ અસર લોસ એન્જેલેસમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ઈન્ડોનેશિયા : 'ફળ' બની ગયું સેલિબ્રિટી, સેલ્ફી લેવા ટોળે વળ્યા લોકો

હવામાન વિભાગે જાહેર કરી હતી આગાહી

આ પહેલા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી જાહેર કરી હતી. હવામાન વિભાગે રવિવાર અને સોમવારે પણ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે. ઘણા એક્સપર્ટ્સના મતે, વરસાદથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે. ઉલ્લેખનીય છે કે મધ્ય-પશ્ચિમી અમેરિકામાં ઠંડીના કારણે અત્યાર સુધીમાં 29 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. એડમિનિસ્ટ્રેશને પૂરના ખતરાને જોઈને ઉત્તર અને દક્ષિણ કેલિફોર્નિયાને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

california united states of america