જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે : શાહ મહમૂદ કુરેશી

11 September, 2019 08:46 AM IST  |  જીનિવા

જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે : શાહ મહમૂદ કુરેશી

શાહ મહમૂદ કુરેશી

પાકિસ્તાને જીનિવામાં રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. બીજી તરફ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનો ભાગ માન્યું છે. યુએનએચઆરસીમાં પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે. કલમ-૩૭૦ હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનની હડબડાહટ સામે આવી છે. તેઓ દરેક સ્ટેજ પર ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ દરેક વખતે એણે બેઇજ્જતીનો સામનો કરવો પડે છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન પણ વાત-વાતમાં સાચું બોલી બેઠા. તેમના આ નિવેદનનો એક વિડિયો પણ સામે આવ્યો છે.

તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘ભારત દુનિયાને એ બતાવવા ઇચ્છે છે કે કાશ્મીરમાં ફરી જીવન સામાન્ય થઈ ગયું છે. જો આવું છે તો ભારત પોતાના જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા, એનજીઓ અને સિવિલ સોસાઇટીને જવા કેમ નથી દેતું? જેથી તેઓ ત્યાંની પરિસ્થિતિ જોઈ શકે.’

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાને બીજી વાર કાશ્મીરનો રાગ આલાપ્યો છે. વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ પાયાવિહોણા આરોપ લગાવતાં કહ્યું કે, ‘કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને પરિષદ માનવ અધિકારના ઉલ્લંઘન પર ધ્યાન આપે. અમે આના પર સંયુક્ત તપાસ કમિટીની માગણી કરીએ છીએ.’

પાકિસ્તાને યુએનએચઆરસીને કહ્યું કે મુદ્દા પર ચૂપ ન બેસો. બેઠક દરમ્યાન પાકિસ્તાને કહ્યું કે ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે. એણે કાશ્મીરને દુનિયાની સૌથી મોટી જેલ ગણાવતાં માનવ અધિકારોનું કબ્રસ્તાન ગણાવ્યું છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ-૩૭૦ને હટાવવામાં આવ્યા બાદ કાશ્મીરમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, પરંતુ ભારત સરકારે એકથી વધારે વાર સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનના ઇશારે કાશ્મીરમાં અશાંતિ ન ફેલાય એને કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને સ્થિતિ પ્રમાણે આમાં છૂટછાટ પણ આપવામાં આવી રહી છે.

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, ચીનને ભારતની ગર્ભિત ધમકી

જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનનનો ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતે હુંકાર ભરતાં કહ્યું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અગાઉ ચીન અને પાકિસ્તાને રવિવારે કાશ્મીરના મુદ્દે ચર્ચા કરી હતી અને પરસ્પર સન્માન અને સમાનતાના આધારે વાતચીત દ્વારા આ વિસ્તારમાં વિવાદોના સમાધાનની જરૂરિયાતો પર ભાર આપ્યો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે અમે ચીનના વિદેશ મંત્રીના તાજેતરની પાકિસ્તાન યાત્રા બાદ ચીન અને પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનને ફગાવીએ છીએ. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

સાથે જ તેમણે સીપીઈસી પર પ્રહાર કર્યા હતા. ર‌વિશ કુમારે કહ્યું હતું કે ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પાકિસ્તાન પણ ભાગીદાર છે અને એ ભારતીય વિસ્તારમાં થઈને પસાર થઈ રહ્યો છે. આ વિસ્તાર પર પાકિસ્તાને ૧૯૪૭થી ગેરકાયદે કબજો જમાવેલો છે.

યુએનની માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનનાં છોતરાં કાઢી નાખ્યાં, કાશ્મીરનું જૂઠાણું ટેરરના અડ્ડામાંથી ફેલાવાય છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે છેલ્લાં બે સપ્તાહની તુલનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં ઘટાડો થયો છે. સાથોસાથ તેઓએ ફરી એકવાર કહ્યું કે ‘જો દક્ષિણ એશિયાના બંને પડોશી દેશો ઈચ્છે તો મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું.’ ૨૬ ઑગસ્ટે ફ્રાન્સમાં યોજાયેલી જી-૭ની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના બે સપ્તાહ બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. ફ્રાન્સમાં મુલાકાત દરમ્યાન પીએમ મોદીએ ટ્રમ્પને દૃઢતાથી કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ મુદ્દે ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી.

સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે તમે જાણો છો કે કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાનમાં ટકરાવ છે. મારું માનવું છે કે બે સપ્તાહ પહેલાં બંને પડોશી દેશોમાં જેટલો તણાવ હતો તેમાં હવે ઘટાડો થયો છે. નોંધનીય છે કે, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ ૩૭૦ને સમાપ્ત કરી દીધો છે. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાનમાં તણાવ વધી ગયો હતો, જે સમય જતાં ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની અનેકવાર ઈચ્છા જાહેર કરી ચૂકેલા ડોનલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મધ્યસ્થતા કરવાની ઈચ્છા જાહેર કરી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સ્થિતિ વિશે એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મને બન્ને દેશોનો સાથ ખૂબ જ પસંદ છે. જો બન્ને દેશ ઈચ્છે તો હું તેમની મદદ કરવા તૈયાર છું. બન્ને દેશ જાણે છે કે તેમની સામે મધ્યસ્થતાનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચો : કાટમાળમાં ફસાયેલા ગલૂડિયાને કાઢવા મહેનત કરતી રહી મા, વીડિયો થયો વાઈરલ

આ પહેલાં જુલાઈ ૨૦૧૯માં જ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના અમેરિકાના પ્રવાસ સમયે ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે આ પ્રસ્તાવને તાત્કાલિક નકારી દીધો હતો.

geneva jammu and kashmir pakistan