પાકિસ્તાને વિડિયો-કૉન્ફરન્સમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો

16 March, 2020 10:44 AM IST  |  New Delhi

પાકિસ્તાને વિડિયો-કૉન્ફરન્સમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો

સાર્કની વિડિયો-કૉન્ફરન્સ દરમ્યાન વિવિધ દેશોના વડાને સંબોધતા નરેન્દ્ર મોદી

કોરોના વાઇરસ સામે એક થઈને લડવાની હાકલ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કોવિડ-૧૯ માટે ઇમર્જન્સી ફન્ડ ઊભું કરવાનો સુઝાવ આપતાં ભારત તરફથી એક કરોડ અમેરિકી ડૉલરનો ફાળો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશવ્યાપી આ રોગ સામે એકલા ઝઝૂમવા કરતાં એને સાથે મ‍ળીને માત આપવું વધુ સરળ રહેશે. તેઓએ કહ્યું હતું કે આ કપરા સમયમાં મૂંઝવણને બદલે પરસ્પર સહકાર આપવા પર અને ભય ન પામતાં કોવિડ-૧૯ને હરાવવાની તૈયારી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિડિયો-કૉન્ફરન્સમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સા, મૉલદિવ્ઝના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, નેપાલના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, ભુતાનના વડા પ્રધાન લોટ્યે શેરિંગ, બંગલા દેશનાં વડાં પ્રધાન શેખ હસીના, અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને પાકિસ્તાનના વડા પ્રધાનના આરોગ્ય ખાતાના વિશેષ સહાયક ઝફર મિર્ઝાએ ભાગ લીધો હતો. વિડિયો-કૉન્ફરન્સમાં વડા પ્રધાન મોદીએ કોરોના વાઇરસને હરાવવા વિવિધ સૂચનો કર્યાં હતાં જેને સાર્ક દેશના નેતાઓ અને પ્રતિનિધિઓએ આવકાર્યાં હતાં. વડા પ્રધાને કોવિડ-૧૯ ઇમર્જન્સી ફન્ડ એકઠું કરવાનું સૂચન કર્યું હતું, જેમાં તમામ દેશો સ્વૈચ્છિક રીતે ફાળો આપશે. મોદીએ ભારત તરફથી એક કરોડ અમેરિકી ડૉલરનો ફાળો નોંધાવ્યો છે. વિડિયો-કૉન્ફરન્સિંગનો ઉદ્દેશ કોરોના સામેની લડતનો હોવા છતાં પાકિસ્તાને આ વખતે પણ કાશ્મીરનો મુદ્દો ઉછાળીને કોરોના વાઇરસને ડામવા માટે જમ્મુ-કાશ્મીરમાં ‘લૉકઆઉટ’ હળવો કરવાની વાત કરી હતી.

coronavirus pakistan kashmir international news national news