ઉત્તર કોરિયાનો USને ઠેંગો, નહીં ત્યાગે પરમાણુ હથિયારો

20 December, 2018 01:04 PM IST  | 

ઉત્તર કોરિયાનો USને ઠેંગો, નહીં ત્યાગે પરમાણુ હથિયારો

ઉત્તર કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉન આ વર્ષે જ ટ્રમ્પને મળ્યો હતો. (ફાઇલ)

પરમાણુ નિરસ્ત્રીકરણ મામલે ઉત્તર કોરિયાએ એકવાર ફરી અમેરિકાને ઠેંગો બતાવ્યો છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે તેઓ એકતરફી કાર્યવાહી કરીને પોતાના પરમાણુ હથિયારો નહીં ત્યાગે. ઉત્તર કોરિયા ઇચ્છે છે કે પહેલા અમેરિકા તેમના ઉપરનો પરમાણુ ખતરો ઓછો કરે.

કોરિયાની અધિકૃત ન્યુઝ એજન્સી તરફથી ગુરૂવારે આ નિવેદન આવ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોની પોતાની જીદને એટલી સરળતાથી નહીં છોડે. તેનાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને સંઘર્ષ હજુ પણ ચાલુ છે.

ઉત્તર કોરિયા તરફથી આ પ્રકારના નિવેદનથી એકવાર ફરી દુનિયા અઅને ખાસ કરીને કોરિયન ટાપુઓની શાંતિ ખતરામાં પડી ગઈ છે. તેનાથી એ શંકાને પણ પ્રોત્સાહન મળે છે કે શું ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ ઉન પોતાના તે ઘાતક હથિયારોનો મોહ છોડી શકશે, જેને તેઓ પોતાના અસ્તિત્વનો આધાર માને છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે આ જ વર્ષે 12 જૂનના રોજ સિંગાપુરમાં મુલાકાત થઈ હતી. બંને નેતાઓ વચ્ચે કોરિયન ટાપુઓના સંપૂર્ણપણે પરમાણુ નિરસ્ત્રીકરણ કરવા અંગે વાત થઈ હતી. જોકે તેને લઈને કોઈ સમયમર્યાદા નક્કી થઈ ન હતી.

જૂન પછીથી જ અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે વાતચીત અટકેલી છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે સંપૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણ પહેલા અમેરિકાના નેતૃત્વમાં તેના ઉપર લગાવેલા પ્રતિબંધોને હટાવવામાં આવે.

kim jong-un north korea donald trump