કાશ્મીર ખીણ વિસ્તારમાં નર્ક જેવી સ્થિતિ છેઃ ન્યુ યૉર્ક ટાઇમ્સનો દાવો

13 August, 2019 11:32 AM IST  |  ન્યુ યૉર્ક

કાશ્મીર ખીણ વિસ્તારમાં નર્ક જેવી સ્થિતિ છેઃ ન્યુ યૉર્ક ટાઇમ્સનો દાવો

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કર્યા બાદ ત્યાં શાંતિ છે એવા અહેવાલો વચ્ચે અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિક ન્યુ યૉર્ક ટાઇમ્સે એવો તસવીર અહેવાલ પ્રગટ કર્યો હતો કે કાશ્મીર ખીણમાં હાલ નર્ક જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. ન્યુ યૉર્ક ટાઇમ્સે એક એવો ફોટો પ્રગટ કર્યો હતો જેમાં કાશ્મીરી યુવાનો સિક્યૉરિટી પર પથ્થરમારો કરી રહ્યા છે.

ન્યુ યૉર્ક ટાઇમ્સે ‘ઇનસાઇડ કાશ્મીર, કટ ઑફ ફ્રોમ ધ વર્લ્ડઃ અ લિવિંગ હેલ ઑફ એન્ગર ઍન્ડ ફિયર’ મથાળા હેઠળ એવો એેકપક્ષી રિપોર્ટ પ્રગટ કર્યો હતો જેમાં એવો દાવો કરાયો હતો કે શનિવારે કાશ્મીર ખીણ વિસ્તારમાં વિસ્ફોટક પરિસ્થિતિ હતી. લોકો જોરશોરથી વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા અને સિક્યૉરિટી સાથે સીધી અથડામણમાં ઊતર્યા હતા.

રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો હતો કે શુક્રવારે નમાજ પછી પણ ઠેર-ઠેર ઉશ્કેરાયેલા લોકોનાં ટોળાં સિક્યૉરિટી સાથે અથડામણમાં ઊતર્યા હતા. લોકો સડક પર ઊતરી આવ્યા હતા અને અથડામણમાં સાત જણને ઈજા થઈ હતી.

રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે થોડાક યુવાનો ગુમ થયેલા જણાતા હતા અને સ્થાનિક પ્રજાના કહેવા મુજબ તે લોકો આતંકવાદી જૂથોમાં જોડાવા નાસી ગયા હતા.

અત્રે એ યાદ રહે કે અગાઉ બીબીસીએ પણ આંખે દેખ્યો અહેવાલના નામે એવો રિપોર્ટ પ્રસારિત કર્યો હતો કે કાશ્મીરમાં સતત હિંસા પ્રવર્તી રહી છે. બીબીસીએ શૅર કરેલા વિડિયોમાં સડકો પર સેંકડો લોકો ઊતરી આવેલા દેખાડાયા હતા. સિક્યૉરિટીએ ટોળાને વિખેરવા ટીયર ગૅસ અને લાઠીચાર્જ કર્યો હતો એવું આ ક્લીપમાં દેખાડવામાં આવ્યું હતું.

new york jammu and kashmir