મહિલા કર્મચારી સાથેના સંબંધને કારણે મૅક્ડોનલ્ડ્સના સીઈઓએ નોકરી ગુમાવી

05 November, 2019 03:01 PM IST  |  Washington

મહિલા કર્મચારી સાથેના સંબંધને કારણે મૅક્ડોનલ્ડ્સના સીઈઓએ નોકરી ગુમાવી

મૅક્ડોનલ્ડ્‌સ

ફાસ્ટ-ફૂડ ચેઇન મૅક્ડોનલ્ડ્‌સે પોતાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સ્ટીવ ઇસ્ટરબ્રુકને એક મહિલા કર્મચારી સાથે સંબંધના કારણે કંપનીમાંથી હાંકી કાઢ્યા છે. મૅક્ડોનલ્ડ્‌સનું કહેવું છે કે સ્ટીવ ઇસ્ટરબ્રુકે આવું કરીને કંપની પૉલિસીનો નિયમ તોડ્યો છે. જોકે, કંપનીએ એમ પણ કહ્યું કે ઇસ્ટરબ્રુકે મહિલા કર્મચારી સાથે પરસ્પર સહમતીથી સંબંધ બાંધ્યા હતા.

ઇસ્ટરબ્રુક ૨૦૧૫થી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા. મૅક્ડોનલ્ડ્‌સ બોર્ડે સ્ટીવ ઇસ્ટરબ્રુક (૫૨)ને દોષી માનતાં તેમને સીઈઓ પદેથી હટાવવાનો નિર્ણય લીધો. બોર્ડના આ નિર્ણય બાદ ઇસ્ટરબ્રુકને સીઈઓની સાથોસાથ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સથી પણ હટવું પડશે.
કંપનીએ પોતાની પ્રેસ રિલીઝમાં સ્ટીવ ઇસ્ટરબ્રુકનો એક ઈ-મેઇલ પણ શૅર કર્યો છે, જેમાં તેઓએ પોતાની ભૂલ સ્વીકારી છે. ઇસ્ટરબ્રુકે પોતાના ઈ-મેઇલમાં લખ્યું કે તે એક ભૂલ હતી. કંપનીની ગરિમાને કાયમ રાખવા માટે મને બોર્ડનો નિર્ણય મંજૂરી છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે અહીંથી આગળ વધી જશે.

આ પણ વાંચો : Twitterએ આતંકી સંગઠન હિજબુલ્લા અને હમાસ સાથે જોડાયેલ અકાઉન્ટ કર્યા બંધ

ઇસ્ટરબ્રુકે આગળ લખ્યું કે હું સ્વીકારું છું કે મેં કંપનીની એક કર્મચારી સાથે પરસ્પર સહમતીથી સંબંધ બાંધ્યા. મને બોર્ડનો નિર્ણય મંજૂર છે. મારા અહીંથી જવાની સાથે જ આશા રાખું છું કે તમે મારી અંગતતાનું સન્માન કરશો. તેઓએ મૅક્ડોનલ્ડ્‌સમાં પસાર કરેલાં ૪ વર્ષને પોતાના પ્રોફેશનલ લાઇફનો ઉત્તમ સમય ગણાવ્યો.

washington