પ્રતિબંધ ન હટાવ્યા તો અમે રસ્તો બદલી નાખીશું- ટ્રમ્પને કિમની ધમકી

01 January, 2019 04:06 PM IST  |  પ્યોંગયાંગ

પ્રતિબંધ ન હટાવ્યા તો અમે રસ્તો બદલી નાખીશું- ટ્રમ્પને કિમની ધમકી

કિમ જોંગ ઉન (ફાઇલ ફોટો)

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને નવા વર્ષના ભાષણમાં ધમકી આપી છે કે અમેરિકાએ પ્રતિબંધો હટાવવા અંગે ન વિચાર્યું તો અમે શાંતિનો રસ્તો બદલી નાખીશું. કારણકે, દેશની સુરક્ષા અને હિતો માટે તે જરૂરી છે. ગયા વર્ષે 12 જૂનના રોજ કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિની સિંગાપુરમાં પહેલીવાર વાતચીત થઈ હતી. તેમાં સંમતિ બની હતી કે ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ અટકાવી દેશે. બંને નેતાઓની ચર્ચા પછીથી ઉત્તર કોરિયાએ કોઈ મિસાઇલ પરીક્ષણ ન કર્યું પરંતુ અમેરિકાએ પ્રતિબંધોમાં કોઈ રાહત ન આપી.

ઉત્તર કોરિયાએ દેશના ટેલિવિઝન પર કહ્યું- જો અમેરિકા દુનિયાની સામે આવીને પોતાનું વચન (પ્રતિબંધો હટાવવાનું) પૂરું નહીં કરે અને તે અમારા પર દબાણ યથાવત રાખશે તો એ સ્થિતિમાં અમારે બીજો જ રસ્તો અપનાવવો પડશે. દેશહિત અને સાર્વભૌમત્વ માટે તે જરૂરી છે.

કિમના જણાવ્યા પ્રમાણે, હું પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે ફરી વાતચીત કરવા માટે તૈયાર છું જેથી વધુ સારા ભવિષ્ય માટે યોગ્ય રણનીતિ બનાવી શકાય. મને લાગે છે કે આખી દુનિયા તેનું સ્વાગત કરશે.

ઉત્તર કોરિયાના સરમુખત્યારે એમ પણ કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ ન કરવો જોઇએ કારણખે તેનાથી તણાવ વધે છે. દક્ષિણ કોરિયામાં અમેરિકાના 28,500 સૈનિકો છે. તેમને ઉત્તર કોરિયા તરફથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ તહેનાત કરવામાં આવ્યા છે.

કિમે સિંગાપુર વાતચીતના હવાલાથી જણાવ્યું કે ટ્રમ્પે વાતચીતને સફળ જણાવી હતી અને બંને નેતાઓએ સકારાત્મક વિચારો શેર કર્યા હતા. સિંગાપુરમાં બંને નેતાઓએ એક અસ્પષ્ટ જેવા કરા પર સહી કરી હતી. ત્યારબાદથી ઉત્તર કોરિયા અને અમેરિકામાં પરમાણુ કાર્યક્રમ ખતમ કરવાને લઈને કોઈ ખાસ રણનીતિ બનાવવામાં ન આવી. ટ્રમ્પે ગયા વર્ષે પોતાના વિદેશમંત્રીની પ્યોંગયાંગ યાત્રા એમ કહીને રદ કરી દીધી હતી કે જ્યારે મામલામાં કોઈ ખાસ પ્રગતિ નથી થઈ તો ત્યાં જવાનો કોઈ ફાયદો નથી.

અત્યાર સુધી ઉત્તર કોરિયા હાઇડ્રોજન બોમ્બ સહિત 6 પરમાણુ પરીક્ષણ અને અનેક મિસાઇલ ટેસ્ટ કરી ચૂક્યું છે. તેને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તેના પર ઘણા પ્રતિબંઘો લગાવ્યા છે.

north korea kim jong-un donald trump