કોરોના મામલે સમગ્ર દુનિયા દક્ષિણ કોરિયાની પદ્ધતિ અપનાવે: UN

02 May, 2020 11:44 AM IST  |  Mumbai Desk | Agencies

કોરોના મામલે સમગ્ર દુનિયા દક્ષિણ કોરિયાની પદ્ધતિ અપનાવે: UN

આશરે એક મહિના પહેલાં દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ જ ચોંકાવનારી હતી પરંતુ હાલ આ દેશે કોરોના વાઇરસ પર કાબૂ મેળવીને વિશ્વ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે. આ કારણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ વિશ્વને દક્ષિણ કોરિયાની જેમ કોરોના વાઇરસ સામે યુદ્ધ લડવાની સલાહ આપી છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ મામલે વાતચીત દરમ્યાન ગુટેરેસે જણાવ્યું કે પોતે આશા રાખે છે કે સમગ્ર વિશ્વ પણ દક્ષિણ કોરિયાના શાનદાર ઉદાહરણના નકશા પર ચાલે. તેમણે જે કર્યું તેમાં સફળતા મળી.
એશિયન દેશોમાં ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોવિડ-૧૯ સંક્રમણના કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી પરંતુ આ દેશે જે રીતે મહામારી પર નિયંત્રણ મેળવ્યું તે વિશ્વ માટે એક મિસાલ સમાન છે. દક્ષિણ કોરિયામાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના માત્ર ચાર જ નવા કેસ સામે આવ્યા હતા અને તે પણ બહારથી આવેલા લોકોના હતા.
નવા ચાર કેસ સાથે દક્ષિણ કોરિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૦,૭૭૪ થઈ ગઈ છે જેમાં સાજા થનારા દરદીઓની સંખ્યા ૯૦૭૨ અને મૃતક આંક ૨૪૮ છે. કોરિયાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અૅન્ડ પ્રિવેન્શનના અહેવાલ પ્રમાણે દેશમાં સ્થાનિક સ્તરે સંક્રમણનો એક પણ કેસ નથી નોંધાયો પરંતુ વાઇરસ ફરીથી ઊથલો મારે તેની સંપૂર્ણ શક્યતા છે. આ કારણે જ લોકોને બીમાર હોય તો ઘરે રહેવા અથવા હૉસ્પિટલ જવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

united nations coronavirus