કુલભૂષણ જાધવ કેસમાં પાક.નો દાવ પડ્યો ઉલ્ટો, ભારતનું પલડું ભારે

31 December, 2018 02:06 PM IST  | 

કુલભૂષણ જાધવ કેસમાં પાક.નો દાવ પડ્યો ઉલ્ટો, ભારતનું પલડું ભારે

કુલભૂષણ જાધવ (ફાઇલ ફોટો)

શું પાકિસ્તાન કુલભૂષણ જાધવના મામલે પીછેહઠ અને ભારતના પક્ષને મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે? લાગી તો એમ જ રહ્યું છે. પાકિસ્તાને ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં એક ચુકાદાના પક્ષમાં વોટ કર્યો છે. હકીકતમાં આ કેસનો સંદર્ભ ભારતે કુલભૂષણ જાધવના મામલે આપ્યો છે. પરિણામે જાધવના કેસમાં ભારતનો પક્ષ વધુ મજબૂત હોવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કથિત રીતે જાસૂસીના આરોપમાં મોતની સજા પામેલા ભારતીય નાગરિક જાધવને ડિપ્લોમેટિક એક્સેસ નહીં આપવાના મામલે ભારતે 2004ના અવીના અને અન્ય મેક્સિકન નાગરિકોના સંદર્ભમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઇસીજે)ના ચુકાદાનો હવાલો આપ્યો હતો. આ મામલે અમેરિકા પર વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવાનો આરોપ સાબિત થયો હતો. આ મામલે મોતની સજા મેળવનાર પોતાના નાગરિકો સુધી મેક્સિકોને ડિપ્લોમેટિક એક્સેસ આપી નહોતી.

 

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હસીનાને ત્રીજીવાર બહુમત, ફરી એકવાર બનશે પીએમ 

 

પાકિસ્તાને ગયા અઠવાડિયે ભારત સહિત 68 અન્ય દેશો સાથે સંયુક્ત રાષ્ટ્રના તે પ્રસ્તાવના સમર્થનમાં વોટ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આઇસીજેના અવીના જજમેન્ટને પૂર્ણરૂપે અને તાત્કાલિક લાગુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે 14 વર્ષ પછી પણ અમેરિકાએ અત્યાર સુધી આઇસીજેના આદેશને લાગુ કર્યો નથી.

આઇસીજે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ન્યાયિક શાખા છે. આઇસીજેમાં જાધવ કેસ પર ફેબ્રુઆરી 2019માં સુનાવણી થવાની છે, જેણે અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી પાકિસ્તાન દ્વારા જાધવને મોતની સજા આપવા પર સ્ટે લગાવી દીધો હતો. આધિકારિક સૂત્રોનું કહેવું છે કે ભારત આઇસીજે સમક્ષ અવીના જજમેન્ટના સમર્થનમાં પાકિસ્તાનને વોટ આપવાનો મુદ્દો પણ ઉઠાવશે.

kulbhushan jadhav