ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગઃ પક્ષમાં ૨૩૨ અને વિરોધમાં ૧૯૬ મત પડ્યા

02 November, 2019 03:45 PM IST  |  મુંબઈ ડેસ્ક

ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગઃ પક્ષમાં ૨૩૨ અને વિરોધમાં ૧૯૬ મત પડ્યા

વૉશિંગ્ટન : (જી.એન.એસ.) અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ માટે કાર્યવાહી આગળ વધારવા એક દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પક્ષમાં ૨૩૨ મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં ૧૯૬ મત પડ્યા હતા. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટી બહુમતી ધરાવે છે. તેના નેતૃત્વમાં મહાભિયોગ તપાસપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેને પોતાના વિરોધી જૉ બિડેન અને તેના દીકરા સામે યુક્રેનની ગૅસ કંપનીમાં ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે યુક્રેન પર દબાણ કર્યું હતું.

પ્રસ્તાવમાં સાર્વજનિક તપાસ કરવા અને તેનું નેતૃત્વ કૉન્ગ્રેસની ગોપનીય બાબતોની સમિતિના વડા અૅડમ સ્કીફને આપવાની વાત કરવામાં આવી છે. સમિતિના પ્રેસિડન્ટ મેક્ગવર્ને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા શક્તિનો દુરુપયોગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ચૂંટણીપ્રક્રિયાની ગોપનીયતા સાથે બાંધછોડ કરવાને લગતા પૂરતા પુરાવા છે. સદનની ૪ સમિતિઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે તપાસમાં પુરાવા-નિવેદન એકત્રિત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં અમેરિકી જનતા સાક્ષીઓને સાંભળશે. આ પુરાવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રપતિએ શક્તિનો દુરુપયોગ વર્ષ ૨૦૨૦ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કર્યો છે. ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે ૨૦ રિપબ્લિકન સાંસદોએ તેમના જ રાષ્ટ્રપતિના વિરોધમાં મતદાન કરવું જરૂરી હોય છે. જોકે આ સંભાવના ઓછી જોવા મળે છે. અત્યાર સુધીના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ રાષ્ટ્રપતિને મહાભિયોગ મારફતે હટાવવામાં આવ્યા નથી.

donald trump