ગે મિત્ર સાથે નવી જિંદગી માટે લંડનમાં એક ગુજરાતીએ કરી પત્નીની હત્યા

27 December, 2018 03:00 PM IST  |  UK

ગે મિત્ર સાથે નવી જિંદગી માટે લંડનમાં એક ગુજરાતીએ કરી પત્નીની હત્યા

જેસિકાની હત્યા પહેલા મિતેશે ઇન્ટરનેટ પર હત્યાની રીતો અંગે માહિતી મેળવી હતી. (તસવીર સૌજન્ય: ફેસબુક)

ગત મે મહિનામાં ભારતીય મૂળની એક મહિલાની લાશ ઉત્તર ઇંગ્લેન્ડના તેના ઘરમાંથી મળી આવી હતી. આ મહિલાની હત્યા કરવામાં આવી હતી, જે માટે કોર્ટે તેના પતિને દોષી જાહેર કર્યો છે. મહિલાનું નામ છે જેસિકા પટેલ. જેસિકાના પતિ વિરુદ્ધ ગયા અઠવાડિયે ટ્રાયલ શરૂ થઈ હતી અને તે દરમિયાન જાણ થઈ કે જેસિકાની હત્યા તેના પતિ મિતેશ પટેલે જ કરી છે. તેણે સુપરમાર્કેટની પ્લાસ્ટિકની કોથળીથી ગળું દબાવીને જેસિકાને મારી નાખી હતી. એવી વાત જાણવા મળી છે કે મિતેશ તેના એક પુરુષમિત્ર સાથે લગ્ન કરવા માંગતો હતો. એક ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન પર મિતેશની મુલાકાત આ ગે મિત્ર સાથે થઈ હતી અને તેની સાથેની આત્મીયતા એટલી વધી ગઈ કે તેની સાથે નવી જિંદગી શરૂ કરવા તેણે પોતાની પત્નીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો.

ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય જેસિકા પટેલનો મૃતદેહ ઉત્તર ઇંગ્લેન્ડના મિડલ્સબર્ઘ ખાતે આવેલા તેના ઘરમાંથી આ વર્ષના મે મહિનામાં મળી આવ્યો હતો. જેસિકાના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. આ સમયે તેના 37 વર્ષીય પતિ મિતેશે તેની હત્યા કરી હોવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ, કોર્ટમાં ટ્રાયલ દરમિયાન જાણ થઈ કે આરોપીએ પત્નીની હત્યા કર્યા બાદ વીમા કંપની સામે 2 મિલિયન પાઉન્ડ્સનો દાવો કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ ઉપરાંત તેણે તેના ગે મિત્ર ડો. અમિત પટેલ સાથે રહેવા માટે ઓસ્ટ્રેલિયા જતા રહેવાનો પ્લાન બનાવ્યો હતો.

જેસિકાને મોતને ઘાટ ઉતારતા પહેલા મિતેશે ઇન્ટરનેટ પર હત્યા કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી મેળવી હતી. જેમાં, "હું મારી પત્નીની હત્યા કરવા માંગુ છું", "ઇન્સ્યૂલિન ઓવરડોઝ", "હું મારી પત્નીની હત્યા કરવા માંગુ છું, શું મારે સહ-હત્યારાની જરૂર પડશે?", "યુકેમાં હત્યા માટે ભાડૂતીની શોધ", "કેટલા પ્રમાણમાં મેથાડોન લેવાથી તમારું મોત થઈ જાય?" વગેરેનો સમાવેશ થાય છે. જેસિકાની હત્યા બાદ મિતેશે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. આ માટે તેણે એવી થિયરી રજૂ કરી હતી કે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના ઘરનો સામાન વેરવિખેર હતો, તેના ઘરમાં ચોરી થઈ હતી તેમજ તેની પત્નીને ટેપથી બાંધી દેવામાં આવી હતી.

પરંતુ ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુટરે પુરાવા રજૂ કર્યા હતા કે મિતેશ પટેલે જ તેની પત્નીને ઈન્સ્યૂલિનનું ઇન્જેક્શન આપ્યા બાદ તેને ટેપ વડે બાંધી દીધી હતી. એટલું જ નહીં એક પ્લાસ્ટિકની બેગથી જેસિકાનું ગળું દબાવી દીધું હતું. જેસિકા પટેલના પરિવારે ટ્રાયલ પૂરી થયા બાદ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, "અમારી પુત્રીના મોતથી અમે ભાંગી પડ્યા છીએ."

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ખાતે અભ્યાસ વખતે જેસિકા અને મિતેશની મુલાકાત થઈ હતી. તે પછી બંનેએ લગ્ન કર્યા હતા અને જેસિકા તેના પતિ સાથે એક ફાર્મસીની દુકાન ચલાવતી હતી. બંને પોતાની ફાર્મસીની દુકાનની બાજુમાં જ રહેતા હતા.

murder case Crime News