કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન આપસમાં ઉકેલેઃ ફ્રેન્ચ પ્રમુખ

24 August, 2019 11:24 AM IST  |  ફ્રાંસ

કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન આપસમાં ઉકેલેઃ ફ્રેન્ચ પ્રમુખ

ફ્રેન્ચ પ્રમુખ ઇમૅન્યુઅલ મૅક્રોને ગુરુવારે જણાવ્યું હતું કે ‘કાશ્મીર વિવાદ ભારત-પાકિસ્તાને આપસમાં ચર્ચા કરીને જ ઉકેલવો જોઈએ અને આમાં કોઈ ત્રીજા પક્ષે દરમ્યાનગીરીની કરવી ન જોઈએ કે હિંસા ભડકાવવી ન જોઈએ.

હાલ ફ્રાન્સની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૅક્રોનને મળીને પોતાની સરકારે જમ્મુ-કાશ્મીરમાં કરેલા ફેરફાર વિશે સમજાવ્યું હતું અને કહ્યું હતું કે એ નિર્ણય ભારતના સાર્વભૌમત્વનો એક હિસ્સો જ છે. મોદીએ મૅક્રોન સાથે ૯૦ મિનિટ સુધી વ્યક્તિગત ચર્ચા કરી હતી.

ત્વાર બાદ પત્રકારોને સંબોધિત કરતાં મૅક્રોને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને જમ્મુ અને કાશ્મીર વિશે જણાવ્યું છે. મેં કહ્યું કે કાશ્મીરની પરિસ્થિતિને ભારત અને પાકિસ્તાને સાથે મળીને જ ઉકેલવી જોઈએ અને આમાં દરમ્યાનગીરી કરીને કોઈ ત્રીજો પક્ષ પરિસ્થિતિને બગાડી નાખે અને હિંસા ભડકાવે એવું અમે ઇચ્છતા નથી. કાશ્મીરમાં કયા ફેરફાર કરવામાં આવ્યા છે એ વિશે અને એ નિર્ણય ભારતના સાર્વભૌમત્વનો જ એક હિસ્સો છે એવું પણ મને વડા પ્રધાન મોદીએ સમજાવ્યું છે.

મૅક્રોને કહ્યું કે ‘હું કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરીશ અને તેમને જણાવીશ કે ભારત સાથે દ્વિપક્ષી મંત્રણા કરીને વિવાદને ઉકેલો. ભારતે ૩૬ રાફેલ ફાઇટર વિમાનોની ખરીદી માટે ફ્રાન્સને ઑર્ડર આપ્યો છે. એનું પહેલું વિમાન આવતા મહિને ભારતને ડિલિવર કરવામાં આવશે.’
મોદીએ પોતાના સંબોધનમાં ફ્રાન્સને બિયારિત્ઝ શહેરમાં શિખર સંમેલનનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું કે ભારતના વિકાસના ક્ષેત્રમાં સહભાગી થવાની ફ્રાન્સ માટે સુવર્ણ તક છે. એ સ્કિલ ડેવલપમેન્ટ, સિવિલ એવિયેશન, ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી, અવકાશ સંશોધન, સંરક્ષણ તથા બીજાં ઘણાં ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ કરી શકે છે.

france narendra modi jammu and kashmir