ડીલ બાદ અનિલ અંબાણીની કંપનીનો 1100 કરોડનો ટૅક્સ-માફ

14 April, 2019 08:30 AM IST  | 

ડીલ બાદ અનિલ અંબાણીની કંપનીનો 1100 કરોડનો ટૅક્સ-માફ

અનિલ અંબાણી

ફ્રાન્સના અધિકારીઓએ અનિલ અંબાણીની મદદ કરજ ચૂકવવામાં કરી હતી. ફ્રાન્સના કેટલાક સ્થાનિક મીડિયા-રિપોર્ટ્સમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. મીડિયા-રિપોર્ટ્સ પ્રમાણે અનિલ અંબાણી પર ૧૬૨.૬ મિલ્યન ડૉલરનો અંદાજે ભારતના ૧૧૦૦ કરોડ રૂપિયાનો ટૅક્સ હતો જેને અધિકારીઓએ વડા પ્રધાન મોદીની મુલાકાત બાદ રદ કર્યો હતો.

મીડિયા-રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ ઍટલાન્ટિક ફ્લૅગ ફ્રાન્સને વડા પ્રધાન મોદીની મુલાકાત બાદ મોટી છૂટ મળી છે. જ્યારે વડા પ્રધાન મોદીએ ફ્રાન્સ સાથે રાફેલ ડીલની જાહેરાત કરી ત્યારે અનિલ અંબાણીનું દેવું માફ કરવામાં આવ્યું. સ્થાનિક મીડિયા-રિપોર્ટ્સ પ્રમાણે ટૅક્સ-વિવાદ ૨૦૧૫માં જ ઉકેલી લેવામાં આવ્યો હતો, જ્યારે ભારત અને ફ્રાન્સની દસો એવિયેશન વચ્ચે રાફેલ ડીલ થઈ હતી. એનાથી કેટલાક મહિના પહેલાં વડા પ્રધાન મોદીની એપ્રિલ ૨૦૧૫ની સત્તાવાર મુલાકાતમાં આ વાતની જાહેરાત કરી હતી કે ભારત ફ્રાન્સના દસો પાસેથી ૩૬ ફાઇટર જેટ ખરીદશે.

રિપોર્ટ પ્રમાણે અનિલ અંબાણીની કંપની વિશે કથિત રીતે ફ્રાન્સના અધિકારીઓએ તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે ૨૦૦૭થી ૨૦૧૦ વચ્ચે અનિલ અંબાણીની કંપની પર ૬૦ મિલ્યન યુરો ટૅક્સ બાકી હતો. રિલાયન્સ ઍટલાન્ટિક ફ્લૅગ ફ્રાન્સે ૭.૬ યુરો ટૅક્સ તરીકે આપવાનો પ્રસ્તાવ આપ્યો, પરંતુ ફ્રાન્સના અધિકારીઓએ આગળ આ મામલે ફરી તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો.

રિલાયન્સે રદિયો આપ્યો

૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય જાહેર કર્યા પછી થોડા મહિનામાં લગભગ ૧૪૩.૭ મિલ્યન યુરો એટલે કે અંદાજે ૧૧.૨૨ અબજ રૂપિયાના ટૅક્સીસ ફ્રાન્સસ્થિત અનિલ અંબાણીની એક કંપની માટે ફ્રેન્ચ સત્તાવાળાઓએ માફ કર્યા હોવાના મીડિયા રિપોર્ટ્સને રિલાયન્સ કમ્યુનિકેશન્સે રદિયો આપ્યો હતો.

ગઈ કાલે રિલાયન્સ કમ્યુનિકેશનના એક નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ‘એમની સબસિડિયરી કંપની રિલાયન્સ ફ્લૅગ એટલાન્ટિક (ફ્રાન્સ) ટૅક્સનો ઇશ્યુ ૨૦૦૮નો છે અને ભારત સરકારે ફ્રેન્ચ કંપની દસૉલ્ટ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો નિર્ણય લીધો એના ઘણા વખત પહેલાં એ ઇશ્યુનો સ્થાનિક કાયદા હેઠળ નિકાલ આવી ગયો છે.’

મોદી અંબાણી માટે વચેટિયાનું કામ કરી રહ્યા છે : કૉંગ્રેસ

રફાલ ડીલ બાદ ફ્રાન્સમાં અનિલ અંબાણીની કંપનીને ટૅક્સમાં રાહત આપવામાં આવ્યાના અહેવાલ બાદ કૉંગ્રેસને ચૂંટણીની મોસમમાં નવો મુદ્દો મળ્યો. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલેએ ટ્વીટ કરીને જણાવ્યું કે પીએમ મોદીની કૃપાને કારણે અનિલ અંબાણીની કંપનીનો કરોડો રૂપિયાનો ટૅક્સ માફ કરવામાં આવ્યો છે. કૉંગ્રેસે આ પ્રકારના આરોપ ફ્રાન્સના એક અખબારના આધારે લગાવ્યા છે જેમાં અનિલ અંબાણીની કંપનીને ટૅક્સમાં રાહત આપવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : બ્રિટેનના આ શહેરમાં ગુજરાતીમાં મારવામાં આવી ચેતવણી, પાનની પિચકારી મારશો તો થશે દંડ

સૂરજેવાલેએ વધુમાં કહ્યું કે પીએમ મોદી અનિલ અંબાણી માટે વચેટિયાનું કામ કરી રહ્યા છે. ફ્રાન્સના અખબારના ખુલાસા બાદ સૌથી મોટા મની ટ્રેલનો ખુલાસો કરવામાં આવ્યો છે. ફ્રાન્સના અખબારના ખુલાસા બાદ અનિલ અંબાણી અને પીએમ મોદીની મિલીભગત સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણી વચ્ચે કૉંગ્રેસ ભાજપને સતત રાફેલ મામલે ઘેરી રહી છે ત્યારે ફરી વાર કૉંગ્રેસને રાફેલ મામલે નવો મુદ્દો મળી આવ્યો છે.

anil ambani france