E-Cigarette પીતા પીતા મોઢામાં થયો બ્લાસ્ટ, દાંત-જડબુ તૂટ્યુ

24 June, 2019 03:57 PM IST  |  અમેરિકા

E-Cigarette પીતા પીતા મોઢામાં થયો બ્લાસ્ટ, દાંત-જડબુ તૂટ્યુ

ગુજરાત સરકારે હજી કેટલાક દિવસો પહેલા ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ત્યારે ઈ સિગારેટને લઈ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ ઈ સિગારેટ પીવાના આદિ હોય તો ચેતી જજો. આ ઈ સિગારેટ તમારા મોઢામાં જ બ્લાસ્ટ થઈ શકે છે. જેનાથી તમને ગંભીર ઈજા પહોંચી શકે છે. આ અહેવાલ તમને ડરાવવા માટે નથી, પરંતુ ચેતવવા માટે છે. અમેરિકાના ઉટાહ શહેરમાં આવી જ એક ભયાનક ઘટના સામે આવી છે.

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનના 19 જૂનના અંકમાં છપાયેલા અહેવાલ પ્રમામે 17 વર્ષનો એક છોકરો ઈ સિગારેટ પીતો હતો, ત્યારે જ તેમાં બ્લાસ્ટ થઈ ગયો. આ બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે તેનું મોઢું ફાટી ગયું. દાંત તૂટી ગયા અને જડબામાં ફેક્ચર થઈ ગયું. આ યુવકને ગંભીર ઈજા પહોંચી છે.

આ ઘટનાના બે કલાક બાદ તેને ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો. આ યુવકનો સારવાર કરી રહેલા ડોક્ટર કેટી રસેલે કહ્યું કે આ યુવકના મોઢામા ઉંડો જખમ છે, અને તેના ઘણા દાંત ગાયબ છે, જડબુ પણ તૂટી ચૂક્યુ છે.

ડૉક્ટર રસેલના કહેવા પ્રમામે 6 અઠવાડિયાની સારવાર બાદ પણ આ યુવકનું મોઢું બરાબર ખુલી નથી રહ્યું. ડોક્ટર અને તેમની ટીમના સભ્યો ઈ સિગારેટના જબરજસ્ત બ્લાસ્ટની ઘટનાથી ચોંકી ઉઠ્યા હતા. એટલે આ રિપોર્ટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં આ રીતે હજી સુધી કોઈ નથી થયું આઉટ, જાણો કેમ

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના ટેક્સાસમાં એક એવી ઘટના બની હતી, જેમાં 24 વર્ષના એક યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવકના ચહેરાની સામે જ ઈ સિગરેટમાં વિસ્ફોટ થયો હતો, જેને કારણે તેના ગળાની મુખ્ય નસ ફાટી ગઈ હતી.

news