અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કરી ઘોષણા લાદેનનો દીકરો હમઝા ઠાર

15 September, 2019 12:18 PM IST  |  વૉશિંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કરી ઘોષણા લાદેનનો દીકરો હમઝા ઠાર

હમઝા બિન લાદેન

અમેરિકાના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને ૨૦૧૧માં ઠાર કર્યા બાદ હવે ૨૦૧૯માં અમેરિકાને બીજી એક મોટી સફળતા હાથ લાગી છે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યા પ્રમાણે અમેરિકાના એક ઑપરેશનમાં ઓસામાના પુત્ર હમઝા બિન લાદેનને ઠાર કરવામાં સફળતા મળી છે. તેના વિશે માહિતી આપવા બદલ ૭ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

અફઘાનિસ્તાન-પાકિસ્તાન બૉર્ડર પાસે હાથ ધરાયેલા અમેરિકન કાઉન્ટર ટેરરિઝમ ઑપરેશનમાં આ સફળતા મળી હોવાનું અમેરિકાએ કબૂલ્યું છે. જોકે એક્ઝૅક્ટ લોકેશનની જાણકારી તેમણે જાહેર નથી કરી.

નોંધનીય છે કે ઓસામાના મૃત્યુ બાદ હમઝા અલ-કાયદાનો કારોબાર સંભાળતો હતો અને તે અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલો હતો. હમઝાએ પોતાનો છેલ્લો જાહેર વિડિયો મીડિયાને ૨૦૧૮માં આપ્યો હતો. હમઝાને માર્યા બાદ ટ્રમ્પે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે હમઝાના મોતથી અલ-કાયદાને નુકસાન પહોંચ્યું છે અને તેના પિતા સાથે જોડાયેલા સંબંધ પણ પૂરા થઈ ગયા છે. હમઝાના મોતથી અલ-કાયદાની પરિસ્થિતિ નબળી પડશે અને તેમને ચોક્કસ આની અસર પહોંચશે.

આ પણ વાંચો : પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું, મજબૂરીમાં સફેદ ઝંડો બતાવ્યો

આ અગાઉ પણ ઑગસ્ટની શરૂઆતમાં બે વર્ષ ચાલેલા ઑપરેશનમાં હમઝાના મોતના સમાચાર પ્રગટ થયા હતા, પણ ટ્રમ્પ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ એને સ્વીકાર્યા નહોતા. જોકે અમેરિકન ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરે ગયા મહિને જ હમઝાના મોતની પુષ્ટિ કરી હતી. ૩૦ ‍વર્ષનો હમઝા ઓસામાનું ૧૫મું સંતાન હતો.

washington donald trump