યુરોપમાં કોરોના વાઇરસની એન્ટ્રી, ફ્રાન્સમાં ત્રણ કેસ પૉઝિટિવ

26 January, 2020 11:47 AM IST  |  Mumbai Desk

યુરોપમાં કોરોના વાઇરસની એન્ટ્રી, ફ્રાન્સમાં ત્રણ કેસ પૉઝિટિવ

ચીનમાં ફેલાયેલો ભયાનક કોરોના વાઇરસ હવે ધીમે-ધીમે દુનિયાના અન્ય દેશોમાં પણ પગપેસારો કરી રહ્યો છે. ભારત, થાઇલૅન્ડ, અમેરિકા, તાઇવાન, જપાન, વિયેતનામ, સિંગાપુર બાદ હવે આ વાયરસે યુરોપમાં પણ દસ્તક દીધી છે. ફ્રાન્સમાં ૩ લોકો કોરોના વાઇરસથી પીડિત હોવાની જાણ થતાં જ ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીનમાં આ વાઇરસ અત્યાર સુધીમાં ૪૧ લોકોને મોતના મુખમાં ધકેલી ચૂક્યો છે અને ૮૦૦થી વધુ લોકો આ વાઇરસની ચપેટમાં છે.

ફ્રાન્સના આરોગ્ય પ્રધાન એગ્નેસ બુજિને જણાવ્યું હતું કે ‘પહેલો કેસ સાઉથ વેસ્ટર્ન સિટીમાં નોંધાયો છે, જ્યારે બીજો કેસ પેરિસમાં. કોરોના વાઇરસગ્રસ્ત ત્રીજો વ્યક્તિ પીડિતનો જ એક સંબંધી છે. આ ત્રણેય તાજેતરમાં જ ચીનથી પાછા ફર્યા છે અને તેમને હાલ ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.’ એગ્નેસે કહ્યું કે ‘યુરોપમાં પહેલી વાર કોરોના વાયરસના આ ત્રણ કેસ સામે આવ્યા છે. અમે જાણીએ છીએ કે જે દરદીઓ ફ્રાન્સમાં આવ્યા છે તેઓ જરૂર કોઈ સંબંધી અને મિત્રોને મળ્યા હશે અમે તેમની પણ શોધ કરી રહ્યા છીએ.’

એગ્નેસે જણાવ્યું હતું કે ‘આગની માફક જ આ બીમારીનો સત્વરે ઉપાય કરવો પડે છે અને જેટલું બને એટલું જલદી એનો સ્રોત શોધવો જરૂરી છે. પહેલો દરદી ૨૨ જાન્યુઆરીએ ચીનના વુહાનથી પાછો ફર્યો હતો. વુહાન ચીનનો એ જ વિસ્તાર છે જ્યાં કોરોના વાઇરસ સૌથી વધુ સક્રિય છે.

national news international news