તાઇવાનને ગળી જવાના ડ્રૅગનના કાવતરા વિશે થયો ખુલાસો

07 August, 2022 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા પ્રમાણમાં ફાઇટર જેટ્સ, હેલિકૉપ્ટર્સ અને યુદ્ધજહાજોને ગોઠવીને વાસ્તવમાં ચીન તાઇવાનને કેવી રીતે સંપૂર્ણપણે બ્લૉક કરી શકાય એનો અત્યારે મોટા પાયે અભ્યાસ કરી રહ્યું છે

ચીન સૈન્ય

બીજિંગ: તાઇવાનની ફરતે ચીનની મોટા પ્રમાણમાં લશ્કરી કવાયતથી એના કાવતરા વિશે મહત્ત્વની ક્લુ મળે છે. ચીન યુદ્ધની સ્થિતિમાં તાઇવાન પર કબજો કરવા માટે એને ચારે બાજુથી બ્લૉક કરી દેવા માગે છે. તાજેતરમાં અમેરિકાના હાઉસના સ્પીકર નૅન્સી પેલોસીની તાઇવાનની વિઝિટથી ચીન અકળાયું છે. એ પછી તરત એણે તાઇવાનની ફરતે લશ્કરી કવાયત શરૂ કરી દીધી હતી.
મોટા પ્રમાણમાં ફાઇટર જેટ્સ, હેલિકૉપ્ટર્સ અને યુદ્ધજહાજોને ગોઠવીને વાસ્તવમાં ચીન તાઇવાનને કેવી રીતે બ્લૉક કરી શકાય એનો અભ્યાસ કરી રહ્યું છે. પહેલી વખત તાઇવાનની સાવ નજીક ચીન લશ્કરી કવાયત કરી રહ્યું છે. કેટલીક જગ્યાએ તો તાઇવાનના કાંઠાથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે જ લશ્કરી કવાયત થઈ રહી છે.
વળી એ બાબત પણ અભૂતપૂર્વ છે કે ચીન તાઇવાનના પૂર્વમાં લશ્કરી કવાયત કરી રહ્યું છે, જે વાસ્તવમાં તાઇવાનના મિલિટરી ફોર્સને હથિયારના સપ્લાય માટે મહત્ત્વપૂર્ણ છે. યુદ્ધની સ્થિતિમાં આ માર્ગ પર કબજો કરાય તો તાઇવાનને લશ્કરી મદદ પહોંચાડવામાં અમેરિકાને મુશ્કેલી થશે.
વાસ્તવમાં તાઇવાનને ઘેરીને એને બ્લૉક કરી દેવાની ચીનની રણનીતિની ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી. હવે અત્યારે ચાલી રહેલી લશ્કરી કવાયતથી એના વિશે વધારે ખુલાસો થયો છે.  
ચીન એ રીતે આ વિસ્તાર પર કબજો કરવા ઇચ્છે છે કે કોઈ પણ કમર્શિયલ કે મિલિટરી શિપ અને પ્લેનની અવરજવર ન થઈ શકે, જેથી આ પ્રદેશમાં રહેલા અમેરિકન ફોર્સ પણ તાઇવાનને મદદ ન કરી શકે અને એ તાઇવાન પર કબજો કરી શકે.

world news china taiwan