કેનેડિયન એર ટ્રાફિક કંટ્રોલરે અમેરિકાને મોકલ્યા 350થી પણ વધુ પિઝા

14 January, 2019 05:15 PM IST  |  કેનેડા

કેનેડિયન એર ટ્રાફિક કંટ્રોલરે અમેરિકાને મોકલ્યા 350થી પણ વધુ પિઝા

પિઝાથી અમેરિકન કર્મચારીઓના ચહેરા પર આવી મુસ્કાન.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીદની અસર હવે સરહદપાર પણ જોવા મળી રહી છે. મેક્સિકન વોલની જીદને લઈને ટ્રમ્પે અમેરિકામાં શટડાઉન કરી રાખ્યું છે. પરિણામે યુએસમાં કામકાજ લગભદ ઠપ્પ છે. એટલે સુધી કે લોકોને પગાર વગેરે તેમજ રોજિંદા જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાનો એર ટ્રાફિક કંટ્રોલ પણ શટડાઉનનો માર સહન કરી રહ્યો છે. એવામાં શનિવારે તેમની સામે સરહદપારથી એક ચોંકાવી દેનારી ખુશીની ક્ષણ આવી. ત્યારબાદ અમેરિકાના આખા એર ટ્રાફિક કંટ્રોલ વિભાગે ઓફિસમાં જ જબરદસ્ત પાર્ટી ઉજવી.

કર્મચારીઓની ટ્વિટનો સ્ક્રીનશોટ

શનિવારે કેનેડિયન એર ટ્રાફિક કંટ્રોલે રેડિયો સિગ્નલ ઉપરાંત સરહદ પાર અમેરિકન એર ટ્રાફિક કંટ્રોલને પિઝા મોકલ્યા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીદના કારણે અમેરિકામાં છેલ્લા ઘણા દિવસોથી શટડાઉન ચાલી રહ્યું છે. એટલે અમેરિકન એર ટ્રાફિક કંટ્રોલમાં કામ કરી રહેલા કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો. ત્યારે તેમના ચહેરા પર મુસ્કાન લાવવા માટે કેનેડિયન એર ટ્રાફિક કંટ્રોલે શનિવારે તેમની પાસે સેંકડો પિઝા મોકલી આપ્યા.

આ રીતે બન્યો પિઝા મોકલવાનો પ્લાન

કેનેડિયન એર ટ્રાફિક કંટ્રોલ એસોસિયેશન (CATCA)ના અધ્યક્ષ પીટર ડફીના જણાવ્યા પ્રમાણે તેમના સહકર્મચારી અમેરિકન એક ટ્રાફિક કંટ્રોલના કર્મચારીઓની મદદ કરવાનો રસ્તો શોધી રહ્યા હતા, જે વગર પગારે ઘણા દિવસોથી કામ કરી રહ્યા હતા. ગુરૂવારે CATCAના કંટ્રોલ સેન્ટરમાંથી એક એડમોન્ટન, અલબર્ટાને અમેરિકાના એન્કરેજ, અલાસ્કા કંટ્રોલ સેન્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓને પિઝા મોકલવાનો વિચાર આવ્યો. બંને સેન્ટર્સ એકદમ નજીક છે અને ઘણીવાર પરસ્પર વાતચીત કરતા રહે છે. પરિણામે તેમને લાગ્યું કે પિઝા મોકલીને તેઓ એકતાનો સારો સંકેત મોકલી શકે છે.

અમેરિકાના કર્મચારીઓએ કરી જોરદાર પિઝા પાર્ટી


350થી વધુ પિઝા મોકલી ચૂક્યા છે

એડમોન્ટન, અલબર્ટા સેન્ટરના વિચાર પર કેટલાક અન્ય એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટર્સે પણ તે અમેરિકન એર કંટ્રોલ સેન્ટર પર પિઝા મોકલ્યા, જેની સાથે તેઓ હવાઈ ક્ષેત્ર શેર કરે છે. ત્યારબાદથી હવે અન્ય એર ટ્રાફિક કંટ્રોલ પણ સંયુક્ત હવાઈ ક્ષેત્રવાળા અમેરિકન એર ટ્રાફિક કંટ્રોલને પિઝા મોકલી રહ્યા છે. ગુરૂવારથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં 49 ફેડરેશન એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA) યુનિટ્સને 350થી વધુ પિઝા મોકલવામાં આવ્યા છે. પીટર ડફીના જણાવ્યા પ્રમાણે, અમેરિકા મોકલવામાં આવેલા આ પિઝાની સંખ્યા હજુ પણ વધવાની અપેક્ષા છે.

કેનેડિયન હવાઈ ક્ષેત્રમાં આવતાં જ પાયલટ્સ આપે છે અભિનંદન

પીટર ડફી જણાવે છે કે પિઝા મોકલ્યા પછી તેમને અમેરિકન એર કંટ્રોલ સેન્ટરના કર્મચારીઓ પાસેથી હૃદયસ્પર્શી પ્રતિક્રિયાઓ મળી રહી છે. એવા ઘણીવાર બન્યું જ્યારે અમેરિકન પાયલટે કેનેડિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે જાણ કરવાની સાથે રેડિયો પર પોતાના કેનેડિયન સહયોગીઓને નિયંત્રકો તરફથી ધન્યવાદ સંદેશ અને અભિનંદન આપ્યા છે. પીટર ડફીએ જણાવ્યું કે જે સાથીઓને પગાર નથી મળી રહ્યો, તેમને અમુક પિઝા મોકલી દેવા એ બહુ નાનકડો પ્રયત્ન છે પરંતુ તેમના તરફથી જે પ્રતિક્રિયાઓ મળી રહી છે તે દિલને સ્પર્શે તેવી છે.

આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણની સંભાવના

24 દિવસથી ચાલી રહ્યું છે શટડાઉન

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીદના કારણે 22 ડિસેમ્બરથી અમેરિકામાં શટડાઉન ચાલી રહ્યું છે. આ કારણે એર ટ્રાફિક કંટ્રોલ સહિત તમામ કર્મચારીઓને પગાર પણ નથી મળી રહ્યો. ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને એર ટ્રાફિક કંટ્રોલના કર્મચારીઓને આવશ્યક કર્મચારીઓની શ્રેણીમાં રાખ્યા છે. 22 ડિસેમ્બરના રોજ FAAએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે શટડાઉન છતાંપણ એર ટ્રાફિક કંટ્રોલ સંપૂર્ણ રીતે કામ કરશે અને યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે.

canada united states of america