ઍમેઝૉનના કર્મચારીઓએ કહ્યું, અમે માણસ છીએ, રોબો નહીં

17 July, 2019 02:48 PM IST  |  વૉશિંગ્ટન

ઍમેઝૉનના કર્મચારીઓએ કહ્યું, અમે માણસ છીએ, રોબો નહીં

ઍમેઝૉન

ઈ-કૉમર્સ કંપની ઍમેઝૉને પોતાના ગ્રાહકો માટે બે દિવસની ડિસ્કાઉન્ટ ઑફર શરૂ કરી હતી. ઍમેઝૉન પ્રાઇમ ડે તરીકે દર વર્ષે વિવિધ પ્રોડક્ટ પર ભારે છૂટ આપવામાં આવે છે. પ્રાઇમ ડેના કારણે કામનું ભારણ વધતાં અમેરિકાના મિનેસોટામાં મુખ્ય ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરના કામની પરિસ્થિતિને સુધારવાની માગણી સાથે હજારો કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે.

કર્મચારીઓએ વિરોધપ્રદર્શન કરતાં કંપનીનાં ટ્રકોને ઘેરી લીધી હતી અને જણાવ્યું હતું કે અમે માણસ છીએ, રોબો નહીં. વિરોધપ્રદર્શન કરી રહેલા એક કર્મચારી સફિયો મોહમ્મદે જણાવ્યું હતું કે ‘ઍમેઝૉન માટે પ્રાઇમ ડે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અમને આશા છે કે આ હડતાળને લીધે કંપનીને જાણ થશે કે અમે ફેરફાર ઇચ્છીએ છીએ.’

કમ્યુનિટી ઑર્ગેનાઇઝેશન એવુડ સેન્ટરના જાણાવ્યા મુજબ નોકરીની સલામતી, સરખી તક અને ક્લાઇમેટ ચેન્જ મામલે નક્કર પગલાં લેવા જેવા મુદ્દાઓને લઈને કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે.

આ પણ વાંચો : બ્રિટનમાં બનવાનો છે વિશ્વનો સૌપ્રથમ 360 ડિગ્રી ઇન્ફિનિટી પૂલ

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર ડેમોક્રૅટિક સાંસદ કમલા હૈરિસે અને બર્ની સેન્ડર્સે પણ ઍમેઝૉનના કર્મચારીઓના સમર્થનમાં ટ્‌વીટ કર્યું હતું. સેન્ડર્સે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે ‘હું ઍમેઝૉનના બહાદુર કર્મચારીઓ સાથે ઊભી છું જે વેરહાઉસમાં કામની અયોગ્ય પરિસ્થિતિને લઈને હડતાળ કરી રહ્યા છે.’ નોંધનીય છે કે ઍમેઝૉનના સીઈઓ જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક બિઝનેસમૅનની યાદીમાં મોખરે છે. અમેરિકા સિવાય જર્મનીમાં પણ સાત સ્થળોએ ઍમેઝૉનના કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હતા.

amazon washington