અમેરિકામાં ૫૦,૦૦૦ બેકારોને ભારતીય કંપનીઓએ આપી જૉબ

28 October, 2012 03:02 AM IST  | 

અમેરિકામાં ૫૦,૦૦૦ બેકારોને ભારતીય કંપનીઓએ આપી જૉબ

આ વાત ખુદ અમેરિકાના નાયબ વિદેશપ્રધાન વિલિયમ બન્ર્સે સ્વીકારી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ભારતીય કંપનીઓએ અમેરિકામાં કરેલા મોટા પાયે રોકાણનું આ પરિણામ છે. ખાસ કરીને ઓહાયો સ્ટેટમાં આવેલી તાતા ગ્રુપની ફૅક્ટરીએ સંખ્યાબંધ અમેરિકનોને નોકરી આપી છે.

બન્ર્સે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો અત્યંત ગાઢ છે જેનો બન્ને દેશોને લાભ થઈ રહ્યો છે. બન્ને દેશ પોતાને ત્યાં રોકાણ આકર્ષવા પ્રયાસો કરી રહ્યા છે. બન્ર્સે કહ્યું હતું કે ૨૦૨૫ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જશે. જોકે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ‘૯૦ ટકા ભારતીયો બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટથી વંચિત છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ હજી ૮૦ ટકા જેટલો વિકાસ કરવાનો બાકી છે. ભારતને સમૃદ્ધ બનવામાં ચોક્કસપણે અમેરિકી કંપનીઓ મદદરૂપ બની શકે એમ છે, પણ આ માટે ભારત સરકારે વિકાસને ગતિ આપે એવું વાતાવરણ પેદા કરવું જરૂરી છે.’

બન્ર્સે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલ, એવિયેશન તથા ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં એફડીઆઇ વિશેના ભારત સરકારના હાલના નિર્ણયોની પ્રશંસા કરી હતી.

એફડીઆઇ = ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ