મિલિંદ સોમણ ૫૦ વર્ષની ઉંમરે બન્યો આયર્નમૅન

23 July, 2015 05:47 AM IST  | 

મિલિંદ સોમણ ૫૦ વર્ષની ઉંમરે બન્યો આયર્નમૅન





આવતા નવેમ્બર મહિનામાં ૫૦ વર્ષનો થનારો મૉડલ-ઍક્ટર મિલિંદ સોમણ સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિક શહેરમાં ૧૯ જુલાઈએ યોજાયેલી ટ્રાયેથ્લૉનમાં આયર્નમૅનનું ટાઇટલ જીતી ગયો હતો. વર્લ્ડ ટ્રાયેથ્લૉન કૉર્પોરેશનના ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં આ વર્ષે સાત ભારતીયો સહિત બે હજાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

૩.૮ કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦.૨ કિલોમીટર સાઇક્લિંગ અને ૪૨.૨ કિલોમીટરની દોડની ઇવેન્ટ્સ સાથે આ સ્પર્ધા દુનિયાની ટફેસ્ટ ગણાય છે. આયર્નમૅનનું ટાઇટલ મેળવવા માટે સ્પર્ધકોએ ૧૬ કલાકમાં આ ત્રણેય ઇવેન્ટ્સ પૂરી કરવાની હોય છે. મિલિંદ સોમણે ૧૫ કલાક, ૧૯ મિનિટમાં આ તમામ સ્પર્ધાઓ પૂરી કરી હતી.

મિલિંદે ઝ્યુરિકથી ફોન પર જણાવ્યું હતું કે ‘શક્તિ અને ગતિની બાબતમાં તમે તમારી શારીરિક ક્ષમતાઓથી જાણકાર હો અને શરીરના રિસ્પૉન્સનું મૉનિટરિંગ કરતા હો તો એમની એકત્રિત અસરરૂપે સફળતા મળે છે. ૫૦ વર્ષે મારે મારી જાતને વિશેષ ભેટ આપવી હતી એથી આ સફળતા મારી ગિફ્ટ ગણાશે. મેં સારી તૈયારી કરી હતી અને એ સારો અનુભવ હતો.’

આ વર્ષે સ્પર્ધામાં ભાગ લેનારા સાત ભારતીયોમાંથી પાંચે સ્પર્ધા પૂરી કરી હતી. આ વખતે બારમી વખત આયર્નમૅનનું ટાઇટલ જીતનારા પુણેના ડૉ. કૌસ્તુભ રેડકરે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ડૉ. રેડકરે ૧૨ કલાક, ૩૨ મિનિટમાં સ્પર્ધા પૂરી કરી હતી. આ જીતને પગલે ડૉ. રેડકર હવે ૨૦૧૭માં યોજાનારી હવાઈ વર્લ્ડ આયર્નમૅન ચૅમ્પિયનશિપ માટે ક્વૉલિફાય થયા છે.

ઇન્ફોસિસ કંપનીમાં નોકરી કરતા અને કંપનીની સ્પૉન્સરશિપથી સ્પર્ધામાં ભાગ લેતા ૨૭ વર્ષના હિરેન પટેલે સ્પર્ધાના ૧૬ કલાકને યાદગાર અનુભવ ગણાવ્યો હતો અને એ બાબતનો સંદેશ તેમણે ફેસબુકના તેમના પ્રોફાઇલ પિક્ચરની નીચે પણ લખ્યો હતો.

હિરેને જણાવ્યું હતું કે આ ઇવેન્ટ માટે એક વર્ષ પહેલાં જ સ્વિમિંગ શીખ્યો હતો. ૧૫ કલાક, ૧૪ મિનિટમાં તમામ સ્પર્ધાઓ પૂરી કરનારા હિરેન પટેલે ૩.૮ કિલોમીટરની સ્વિમિંગની સ્પર્ધા ફ્રી-સ્ટાઇલને બદલે બ્રેસ્ટ સ્ટ્રોક સ્ટાઇલમાં પૂરી કરી હતી.

૧૫ કલાક બાવન મિનિટમાં સ્પર્ધા પૂરી કરનારા અન્ય પાર્ટિસિપન્ટ પૃથ્વીરાજ પાટીલે જણાવ્યું હતું કે તેઓ તમામ ઇવેન્ટ્સ પૂરી કરવાના ઘણા પ્રેશરમાં હતા. અન્ય એક સ્પર્ધક આનંદ પાટીલે ૧૫ કલાક ૫૩ મિનિટમાં સ્પર્ધા પૂરી કરી હતી.