અમેરિકામાં ગે નાઇટક્લબમાં અંધાધૂંધ ગોળીબારમાં પાંચ જણનાં મોત, ૧૮ને ઈજા

21 November, 2022 11:02 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એક શકમંદ કસ્ટડીમાં છે અને આ હુમલામાં ઈજા બદલ તેની સારવાર ચાલી રહી છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં કોલોરાડો સ્પ્રિન્ગ્સમાં એક ગે નાઇટક્લબ ક્લબ ક્યુમાં શનિવારે રાતે કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં પાંચ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૧૮ જણને ઈજા થઈ હતી. કોલોરાડો સ્પ્રિન્ગ્સ પોલીસના લેફ્ટનન્ટ પામેલા કેસ્ટ્રોએ જણાવ્યું હતું કે એક શકમંદ કસ્ટડીમાં છે અને આ હુમલામાં ઈજા બદલ તેની સારવાર ચાલી રહી છે.

રાતે બાર વાગ્યાની આસપાસથી પોલીસને સંખ્યાબંધ કૉલ્સ આવવા લાગ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઑફિસર્સે એક વ્યક્તિને શોધી કે જે એક શકમંદ હોવાનું માનવામાં આવે છે. 
પોલીસે આ હુમલા પાછળના ઇરાદા વિશે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ આ ગોળીબારમાં કેવા પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એના વિશે પણ જણાવ્યું નથી.

આ ક્લબે એના ફેસબુક પેજ પર એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ‘અમારી કમ્યુનિટી પર સમજ્યાવિચાર્યા વિનાના આ હુમલાથી અમને આઘાત લાગ્યો છે. અમે ઝડપી રીઍક્શન આપનારા બહાદુર કસ્ટમર્સનો આભાર માનીએ છીએ. જેઓ આ હુમલાખોરને કાબૂમાં કરીને આ હેટ ક્રાઇમનો અંત લાવ્યા હતા.’ 

international news united states of america