ઇન્ડોનેશિયામાં ભૂકંપથી ૪૬નાં મોત, ૭૦૦ ઘાયલ

22 November, 2022 09:47 AM IST  |  Jakarta | Gujarati Mid-day Correspondent

૫.૬ તીવ્રતાના ધરતીકંપનું કેન્દ્ર જકાર્તાથી ૭૫ કિલોમીટર દૂર આવેલું હતું : સિઅનજૂર શહેરનાં કેટલાંક બિલ્ડિંગ્સ કાટમાળમાં ફેરવાઈ જતાં લોકોમાં ભય ફેલાયો હતો

ભૂકંપને કારણે દબાઈ ગયેલાં વેહિકલને બહાર કાઢતા બચાવ-કર્મચારીઓ

ઇન્ડોનેશિયાના પશ્ચિમે જાવા પ્રાંતમાં ગઈ કાલે ૫.૬ મેગ્નિટ્યૂડની તીવ્રતાનો ધરતીકંપ આવતાં ૪૬ જેટલા લોકો મૃત્યુ પામ્યાં હોવાનું એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું. પશ્ચિમ જાવાના સિઅનજૂર શહેરના સરકારી અધિકારી હર્મન સુહેરમાને ૪૬ જણનાં મૃત્યુ થવા ઉપરાંત લગભગ ૭૦૦ કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે આ માત્ર એક હૉસ્પિટલના આંકડા છે. સિઅનજૂરમાં લગભગ ચાર હૉસ્પિટલ આવેલી છે, જે ધ્યાનમાં રાખતાં મરણના આંકડાઓ હજી વધી શકે છે. નૅશનલ ડિઝૅસ્ટર એજન્સીએ ૧૪ જણનાં મૃત્યુ થયાં હોવાનું નોંધ્યું છે.  

ગઈ કાલે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી ૭૫ કિલોમીટર દૂર સિઅનજૂરમાં ધરતીકંપ થયો હતો, જેની ઊંડાઈ ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ) જેટલી હતી. જોકે આ ધરતીકંપ સુનામી લાવવાની ક્ષમતા ધરાવતો ન હોવાનું વેધર ઍન્ડ જીઓફિઝક એજન્સીએ જણાવ્યું હતું.

ભૂકંપને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર કરી રહેલા તબીબો

નૅશનલ ડિઝૅસ્ટર એજન્સીએ કહ્યું હતું કે ધરતીકંપને કારણે અનેક ઘરો તેમ જ ઇસ્લામિક બૉર્ડિંગ સ્કૂલને નુકસાન પહોંચ્યું હતું. સિઅનજૂર શહેરનાં કેટલાંક બિલ્ડિંગ્સ કાટમાળમાં ફેરવાઈ જતાં લોકોમાં ભય વ્યાપ્યો હતો. ભૂકંપને કારણે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પણ થોડી ક્ષણો માટે ધમધમી હતી. 

international news indonesia