US : ટ્રકની અંદરથી મળ્યાં ૪૬ મૃતદેહ, માનવ દાણચોરીની શંકા

28 June, 2022 12:55 PM IST  |  San Antonio | Gujarati Mid-day Online Correspondent

ટ્રકનો ડ્રાઇવર ફરાર, આ મામલે પોલીસ તપાસ ચાલુ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળી આવતા હાહાકાર મચ્યો છે. ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરમાંથી સોમવારે આ મૃતદેહ મળી આવ્યાં હતાં. સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ ૨૫૦ કિમી દૂર છે.૧૮ પૈડાવાળા ટ્રકમાં ૧૦૦ લોકોને દબાવીદવાની ભરવામાં આવ્યા હતા. તેમને ગેરકાયદે સરહદ પાર કરાવવામાં આવતી હોવાનું કહેવાય છે. એટલે આ મામલે માનવ દાણચોરીની શંકા ઉદ્ભવી છે.

ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યાં છે. તેમજ ચાર બાળકો સહિત ૧૬ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તેમના મૃત્યુનું કારણ હજી અસ્પષ્ટ છે. પોલીસની આશંકા છે, બંધ કન્ટેનરમાં ગૂંગળામણને કારણે પ્રવાસીઓનું મૃત્યુ થયું છે. કારણકે પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે તે લોકોના શરીર ગરમ હતા. એવું મનાય રહ્યું છે કે, અતિશય ગરમીના કારણે ટ્રકના કન્ટેનરનું તાપમાન વધી ગયું હશે અને તેને કારણે લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હશે. ફાયર સર્વિસ અધિકારીએ આપેલી માહિતી મુજબ, ટ્રક કન્ટેનરનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેમાં વેન્ટિલેશન માટેની કોઈ વ્યવસ્થા ન હતી અને કન્ટેનરમાં પાણીની સુવિધા પણ ન હતી.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ દુર્ઘટના માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે’.

સામાન્ય રીતે સેન એન્ટોનિયો શહેરમાં ઉનાળામાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. સોમવારે અહીંનું તાપમાન ૩૯.૪ ડીગ્રી સેલ્સિયસ હતું.

મેક્સિકોના વિદેશ પ્રધાન માર્સેલો એબ્રાર્ડે કહ્યું હતું કે, ‘પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા છે.’

ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો છે. તેમજ આ મામલે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવાયા છે.

international news united states of america texas