પાકિસ્તાની ઍર-સ્ટ્રાઇકથી કાબુલની હૉસ્પિટલમાં કત્લેઆમ, ૪૦૦નાં મોત

18 March, 2026 10:19 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

અઢીસોથી વધુ લોકો ઘાયલ, મરણાંક વધવાની શક્યતા

પાકિસ્તાને કરેલી ઍરસ્ટ્રાઇકમાં કાબુલની આખી હૉસ્પિટલ તહસનહસ થઈ ગઈ હતી.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તનાવ હવે ગંભીર યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ રહ્યો હોય એમ જણાય છે. અફઘાનિસ્તાનનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ઍર-સ્ટ્રાઇકમાં કાબુલમાં નશીલા પદાર્થોના બંધાણીઓની સારવાર કરતી એક મુખ્ય હૉસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી. આ ભયાનક હુમલામાં ઓછામાં ઓછા ૪૦૦ લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. 

અફઘાનિસ્તાનના નાયબ સરકારી પ્રવક્તા હમદુલ્લા ફિતરતે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર માહિતી આપતાં લખ્યું હતું કે પાકિસ્તાની હવાઈ હુમલામાં હૉસ્પિટલનો મોટો હિસ્સો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. 

અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ હુમલાની સખત નિંદા કરતાં જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા મોટા ભાગના લોકો સામાન્ય નાગરિકો હતા, જેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. 

બીજી તરફ પાકિસ્તાને નાગરિક વિસ્તારો અથવા હૉસ્પિટલ પર હુમલો કરવાના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાનના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાની સેનાએ માત્ર આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય-ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં હતાં. પાકિસ્તાનનું કહેવું છે કે આ ઑપરેશન ખૂબ જ ચોકસાઈથી કરવામાં આવ્યું હતું જેથી કોઈ સામાન્ય નાગરિકને નુકસાન ન થાય.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. પાકિસ્તાન સતત આરોપ લગાવી રહ્યું છે કે અફઘાનિસ્તાન પાકિસ્તાની તાલિબાનને શરણ આપી રહ્યું છે જેનો કાબુલ દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો છે. આ ઍર-સ્ટ્રાઇક પહેલાં સરહદી વિસ્તારોમાં થયેલા ગોળીબારમાં બન્ને પક્ષે બાળકો સહિત અનેક નાગરિકોનાં મોત થયાં હતાં. હાલમાં કાબુલમાં સ્થિતિ અત્યંત તનાવપૂર્ણ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય આ વધતા સંઘર્ષ પર નજર રાખી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદે પણ આ ક્ષેત્રમાં વધતી આતંકવાદી ગતિવિધિઓ અને હિંસા વિશે ચિંતા વ્યક્ત કરી છે.

 ‘લશ્કરી કાર્યવાહી’ના નામે કરવામાં આવેલો ‘નરસંહાર’: ભારત

પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલી એક હૉસ્પિટલ પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાની ભારતે સખત શબ્દોમાં નિંદા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જાહેર કરીને પાકિસ્તાનના આ કૃત્યને ‘લશ્કરી કાર્યવાહીના વેશમાં કરાયેલો નરસંહાર’ ગણાવ્યું છે. કાબુલમાં કાર્યરત ‘ઓમિદ ઍડિક્શન ટ્રીટમેન્ટ હૉસ્પિટલ’ પર થયેલા આ હુમલામાં ૪૦૦ જેટલા નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે ૨૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના વિશે સત્તાવાર નિવેદન જારી કરતાં ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલ જેવી માનવીય સુવિધાને લશ્કરી લક્ષ્ય બનાવી ન શકાય. આ હુમલો માત્ર કાયરતાપૂર્ણ જ નથી, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન છે.’

international news world news kabul pakistan afghanistan Crime News indian government india