26 June, 2025 06:58 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૧૨ દિવસની લડાઈ પછી પણ ઇઝરાયલ અને અમેરિકા ઈરાનની પરમાણુ સુવિધાનો સંપૂર્ણપણે નાશ કરી શક્યાં નથી એટલું જ નહીં, ઇઝરાયલ અને અમેરિકા એ વાતને લઈને ટેન્શનમાં છે કે ઈરાનનું ૪૦૦ કિલો યુરેનિયમ ક્યાં ગાયબ થઈ ગયું. આ ૪૦૦ કિલો યુરેનિયમમાંથી ૧૦ પરમાણુ બૉમ્બ બનાવી શકાય છે.
ઇઝરાયલી અધિકારીઓએ કહ્યા મુજબ અમેરિકાએ કરેલા બન્કર બસ્ટર બૉમ્બ હુમલા પહેલાં ઈરાને ફોર્ડો પરમાણુ પ્લાન્ટમાંથી ૪૦૦ કિલો યુરેનિયમ દૂર કર્યું હતું. આ યુરેનિયમને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યું છે. આ ગુમ થયેલું યુરેનિયમ હવે ઈરાન માટે ફાયદાકારક બની શકે છે. ઈરાન એની મદદથી સોદો કરી શકે છે.
૧૬ ટ્રકમાં યુરેનિયમ બીજે પહોંચાડ્યું
સૅટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ઈરાને ૧૬ ટ્રકની મદદથી ફોર્ડો પ્લાન્ટમાંથી આ યુરેનિયમ બીજે મોકલી દીધું હતું. અમેરિકા અને ઇઝરાયલનો અંદાજ છે કે આ યુરેનિયમ ઇસ્ફહાન શહેરમાં એક ભૂગર્ભ સંગ્રહ કેન્દ્રમાં રાખવામાં આવ્યું હશે.
આ સંદર્ભે ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી (IAEA)નું કહેવું છે કે આ યુરેનિયમના જથ્થા વિશે શક્ય એટલી વહેલી તકે તપાસ શરૂ કરવાની જરૂર છે. એણે ઈરાનના વિદેશપ્રધાન સમક્ષ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાન કહે છે કે એનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ આ વાત પર વિશ્વાસ કરતા નથી. હુમલો કરતાં પહેલાં ઇઝરાયલે કહ્યું હતું કે ઈરાન પરમાણુ બૉમ્બ બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. જોકે અમેરિકન ગુપ્તચર એજન્સીઓ કહે છે કે ઈરાન પરમાણુ બૉમ્બ બનાવવામાં હજી ૩ વર્ષ પાછળ છે.