નોર્વેમાં વિમાન દુર્ઘટનામાં 4 અમેરિકી સૈનિકોના મોત, નાટોએ ઘટનાને લઈ આપ્યું નિવેદન

19 March, 2022 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નોર્વેમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના યુદ્ધ અભ્યાસ દરમિયાન વિમાન દુર્ઘટનામાં ચાર અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર

નોર્વેમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના યુદ્ધ અભ્યાસ દરમિયાન વિમાન દુર્ઘટનામાં ચાર અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. શનિવારે આ માહિતી આપતા નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે કહ્યું કે આ કવાયતને યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. જોનાસ સ્ટોરે ટ્વીટ કર્યું કે શુક્રવાર રાતના આ અકસ્માતમાં 4 અમેરિકી સૈનિકો માર્યા ગયા. તેણે ટ્વીટ કર્યું, `આ અમેરિકી સૈનિકો નાટોની સંયુક્ત કવાયતમાં ભાગ લઈ રહ્યા હતા. અમે માર્યા ગયેલા સૈનિકોના પરિવારો અને સાથીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.`

નોર્વેની સૈન્યના જણાવ્યા અનુસાર જે પ્લેન ક્રેશ થયું તે યુએસ નેવીનું વી-22બી ઓસ્પ્રે એરક્રાફ્ટ હતું. નોર્વેની સૈન્ય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પ્લેનમાં કુલ ચાર ક્રૂ મેમ્બર હતા અને તે ઉત્તરી નોર્વેના નોર્ડલેન્ડ કાઉન્ટીમાં એક ટ્રેનિંગ ઓપરેશનમાં ભાગ લઈ રહ્યું હતું. નોર્વેએ કહ્યું કે વિમાન `કોલ્ડ રિસ્પોન્સ` લશ્કરી કવાયતમાં ભાગ લઈ રહ્યું હતું. આ કવાયતના ભાગરૂપે નાટોના સભ્ય દેશોના સૈનિકો કડકડતી ઠંડી વચ્ચે નોર્વેની સેના સાથે `તાલીમ અને સંચાલન` કરી રહ્યા હતા.

નોર્વેના જણાવ્યા અનુસાર આ કવાયતને યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી અને તેનું આયોજન ઘણા સમય પહેલા કરવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ બોડોથી ઉત્તર તરફ જઈ રહ્યું હતું, જ્યાં શુક્રવારે સાંજે 6 વાગ્યા પહેલા તેનું લેન્ડ થવાનું હતું. પરંતુ બોડોની દક્ષિણે બેયર્નમાં ગ્રેટડાલેન ખાતે પ્લેન ક્રેશ થયું હતું. પોલીસે જણાવ્યું કે તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ શનિવારે સવારે 1.30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી અને લશ્કરી વિમાનના ચારેય ક્રૂના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

નાટો દ્વારા આ વર્ષની કવાયતમાં 27 દેશોના લગભગ 30,000 સૈનિકો, 220 વિમાનો અને 50 જહાજો સામેલ છે. નોન-નાટો સભ્યો ફિનલેન્ડ અને સ્વીડન પણ ભાગ લઈ રહ્યા છે. આ કવાયત 14 માર્ચે શરૂ થઈ હતી અને 1 એપ્રિલે પૂરી થશે. ક્રેશ માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ નોર્વેની સૈન્યએ જણાવ્યું હતું કે કવાયત યોજના મુજબ ચાલુ રહેશે.

world news norway