૩૪ વર્ષનાં સના મરીન બન્યાં ફિનલૅન્ડનાં વડાં પ્રધાન

10 December, 2019 09:15 AM IST  |  Finland

૩૪ વર્ષનાં સના મરીન બન્યાં ફિનલૅન્ડનાં વડાં પ્રધાન

સના મરીન

ફિનલૅન્ડની સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટીએ વડા પ્રધાનપદ માટે ૩૪ વર્ષનાં ભૂતપૂર્વ પરિવહનપ્રધાન સના મરીનને પસંદ કર્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં તે સૌથી યુવા વડાં પ્રધાન બન્યાં છે. મરીને રવિવારે થયેલું મતદાન જીતીને નેતા ઍન્ટિ રિનેનું સ્થાન લીધું હતું. જેણે પોસ્ટ હડતાળને સમેટવા માટે સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતું.
મરીને પત્રકારોને કહ્યું કે ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહુ કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેમણે કહ્યું કે મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને કારણે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં જ મરીને રાજનીતિમાં પગ મૂક્યો હતો અને એ જ સમયથી તે લોકોમાં ખાસ્સી ફેમસ થઈ ગઈ હતી.
ફિનલૅન્ડના પ્રમુખ અખબાર અનુસાર મરીન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જૅકિંડા આર્ડેન ૩૯ વર્ષ, યુક્રેનના પીએમ ઓલેક્સી હોન્ચારુક ૩૫ વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૩૫ વર્ષના છે.

finland world news