પાકિસ્તાનમાં બે ફૅક્ટરીમાં આગ લાગતાં ૩૧૪નાં મોત

13 September, 2012 05:42 AM IST  | 

પાકિસ્તાનમાં બે ફૅક્ટરીમાં આગ લાગતાં ૩૧૪નાં મોત




પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં એક ગાર્મેન્ટ ફૅક્ટરીમાં આગ ફાટી નીકળતાં ૨૮૯ લોકોનાં મોત થયાં હતાં. પાકિસ્તાનના લાહોરમાં પણ ગઈ કાલે જૂતાં બનાવતી એક ફૅક્ટરીમાં આગ લાગી હતી, જેમાં ૨૫ લોકોનાં મોત થયાં હતાં. કરાચીમાં ભયાનક આગને કારણે ત્રણ માળની ફૅક્ટરીમાં કામ કરતા કેટલાક લોકો બારીમાંથી નીચે કૂદી પડ્યા હતા. મંગળવારે મોડી સાંજે ફૅક્ટરીના બીજા માળે આગ લાગી હતી. એ પછી આગ અન્ય માળ સુધી પ્રસરી હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર-ફાઇટરોને એને કાબૂમાં લેતાં દમ આવી ગયો હતો.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના હેલ્થ-મિનિસ્ટર સઘીર અહમદે કહ્યું હતું કે કરાચીની ફૅક્ટરીમાં આગને કારણે ઇમારત ગમે ત્યારે તૂટી પડશે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ છે. આગને કારણે ૩૧ લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના બારીમાંથી કૂદી પડેલા લોકો હતા. બાદમાં ઘટનાસ્થળે ધસી આવેલા ફાયર-ફાઇટરોએ ઊંચી ક્રેનની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. રાતભર પાણીનો મારો કરવા છતાં પણ આગ કાબૂમાં લાવી શકાઈ નહોતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ફૅક્ટરીના એક સેક્શનમાં ઘરવપરાશની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવી હતી. પ્લાસ્ટિકનો મોટો જથ્થો પણ સળગી ઊઠતાં આગ વધારે વકરી હતી. કરાચીના ચીફ ફાયર-ઑફિસર એહતિશામુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે મોટા ભાગના લોકોનાં મોત સળગી જવાથી નહીં પણ ગૂંગળામણને કારણે થયાં હતાં. ફૅક્ટરીમાંથી બહાર નીકળવાના મોટા ભાગના રસ્તા બંધ હોવાથી જાનહાનિ વધુ થઈ હતી. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પણ બચી ગયેલા શ્રમિકોએ કહ્યું હતું કે સૌથી પહેલાં જનરેટરના સેક્શનમાંથી આગ લાગી હતી. ૨૦૦૦ સ્ક્વેર યાર્ડની ફૅક્ટરીમાં અંદાજે ૨૦૦૦ લોકો કામ કરી રહ્યા હતા.