નેન્સી પેલોસીની મુલાકાત બાદ 27 ચીની ફાઇટર જેટે કરી તાઇવાનમાં ઘૂસણખોરી

03 August, 2022 08:29 PM IST  |  Taipei | Gujarati Mid-day Online Correspondent

પેલોસીની મુલાકાતથી ચીન ખૂબ નારાજ છે

હાઉસ સ્પીકર નેન્સી પેલોસી. તસવીર/એએફપી

અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત પૂરી કરીને દક્ષિણ કોરિયા જવા રવાના થઈ ગયા છે. દરમિયાન, સમાચાર એજન્સી એએફપીએ તાઈવાનના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે નેન્સી પેલોસીની મુલાકાત દરમિયાન 27 ચીની ફાઈટર જેટ તાઈવાન ડિફેન્સ ઝોનમાં ઘૂસણખોરી કરી હતી. તાઈવાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 6 J-11, 6 J-16 અને 16 Su30 ફાઈટર જેટ્સે પણ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

પેલોસીની મુલાકાતથી ચીન ખૂબ નારાજ છે અને તેણે અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ સાથે જ ચીને અમેરિકી રાજદૂતને બોલાવીને આ મામલે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. ચીનની સેનાએ પેલોસીની મુલાકાતની વચ્ચે લશ્કરી કવાયત પણ કરી હતી.

પેલોસી મંગળવારે રાત્રે તાઈપે પહોંચ્યા હતા. આજે, તેમણે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથેની મુલાકાત બાદ ચીન તરફ ઈશારો કરતા કહ્યું કે, “આજે વિશ્વ સમક્ષ લોકશાહી અને નિરંકુશતા વચ્ચે પસંદગી કરવાનો પડકાર છે. તાઇવાન અને સમગ્ર વિશ્વમાં લોકશાહીની રક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતા અચળ છે.”

ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષોમાં અમેરિકાના કોઈ ઉચ્ચ અધિકારીએ તાઈવાનનો પ્રવાસ કર્યો ન હતો. ચીનનો દાવો છે કે તાઈવાન તેનો ભાગ છે અને તે વિદેશી અધિકારીઓની તાઈવાન મુલાકાતનો વિરોધ કરે છે.

international news united states of america china taiwan