26/11 આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીની પાકિસ્તાનમાં ધરપકડ

02 January, 2021 06:13 PM IST  |  Lahore | Gujarati Mid-day Online Correspondent

26/11 આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીની પાકિસ્તાનમાં ધરપકડ

તસવીર સૌજન્ય: જાગરણ

26/11 ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કરના આતંકવાદી ઝકીઉર રેહમાન લખવી (Zaki-ur-Rehman Lakhvi)ની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓના હવાલાથી આ માહિતી આપી છે. ઝાકીઉર રેહમાન લખવીએ હાફિઝ સઇદ સાથે મળીને 26/11 ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર ઝકીઉર રેહમાન લખવીને મુંબઈ હુમલા બાદ વર્ષ 2008માં યુએનએસસીના ઠરાવ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે નામ આપવામાં આવ્યું હતું. મુંબઇ હુમલાની તપાસ દરમિયાન ખુલાસો થયો કે, લખવીએ જ હાફિઝ સઈદ સાથે મળીને આતંકી હુમલાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી.

26/11 ના મુંબઈ આતંકી હુમલા કેસમાં 2015થી જામીન પર રહેલા ઝકીઉર રેહમાન લખવીની આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી)એ ધરપકડ કરી છે. જોકે, સીટીડીએ લખવીની ધરપકડના સ્થાનનો ઉલ્લેખ કર્યો નથી. સીટીડી પંજાબ દ્વારા કરવામાં આવેલા ગુપ્તચર આધારિત ઓપરેશન બાદ લશ્કર-એ-તૈયબાની મુખ્ય સંસ્થાના પ્રમુખ કમાન્ડર ઝકીઉર રેહમાન લખવીને આતંકવાદને નાણાં આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. લખવીની પંજાબ પ્રાંતના સીટીડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આતંકવાદ વિરોધી વિભાગએ પહેલા જ મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉલ-દાવાના વડા હાફિઝ સઇદ વિરુદ્ધ મની લોન્ડરીંગ અને આતંકવાદી ધિરાણના આરોપ હેઠળ બે ડઝનથી વધુ કેસ નોંધ્યા છે.

international news pakistan lashkar-e-taiba 26/11 attacks