માત્ર ગોરાઓ જ મહાન છે એવું માનતો હતો ગુરુદ્વારાનો શૂટર

08 August, 2012 05:47 AM IST  | 

માત્ર ગોરાઓ જ મહાન છે એવું માનતો હતો ગુરુદ્વારાનો શૂટર

અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટના ઓક ક્રીક શહેરના ગુરુદ્વારામાં રવિવારે આડેધડ ગોળીબાર કરીને છ નિર્દોષ લોકોની હત્યા કરનાર એક્સ-આર્મીમૅનનું નામ બહાર આવ્યું છે. વેઇડ માઇકલ પેજ નામનો આ હત્યારો માત્ર ગોરાઓ જ મહાન છે એવું માનતા વાઇટ સુપ્રીમસી નામના આંદોલનનો કટ્ટર સમર્થક હતો. ૪૦ વર્ષનો પેજ એક હિંસક રૉક બૅન્ડ સાથે પણ સંકળાયેલો હતો. આ રૉક બૅન્ડ યહૂદીઓ તથા કાળા લોકોની હત્યા કરવા માટે ઉશ્કેરતું મ્યુઝિક રજૂ કરતું હતું.

રવિવારે ઓક ક્રીકના ગુરુદ્વારામાં પોલીસ-અધિકારીઓએ પેજને ઠાર કર્યો હતો. જોકે એ પહેલાં તે છ લોકોની હત્યા કરી ચૂક્યો હતો. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ વેઇડ માઇકલ પેજ હિટલરે ફેલાવેલી નાઝી વિચારસરણીમાં માનતો હતો એટલું જ નહીં, વાઇટ સુપ્રીમસીમાં માનતા નૅશનલ અલાયન્સ નામના સંગઠન સાથે પણ તેના ગાઢ સંબંધો હતા. વાઇટ સુપ્રીમસી મૂવમેન્ટના ભાગરૂપ અમેરિકામાં સમયાંતરે બેઠકો તથા કાર્યક્રમો યોજાતાં હતાં જેમાં પેજ સક્રિયપણે ભાગ લેતો હતો. પેજ જે રૉક બૅન્ડનો મેમ્બર હતો એમાં વાઇટ લોકોને યહૂદીઓ તથા કાળા લોકો વિરુદ્ધ ઉશ્કેરતાં સૉન્ગ્સ રજૂ કરતા હતા. આ સૉન્ગ્સમાં વાઇટ લોકોને તેમની જાતિ તથા દેશની રક્ષા માટે બ્લૅક લોકોની હત્યા કરવાનું કહેવામાં આવતું.

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ દેશમાં હેટ ક્રાઇમ (રંગભેદને કારણે થતી હિંસા)માં ઘટાડો કરવા માટે અમેરિકનોને આત્મચિંતન કરવાની અપીલ કરી હતી. ગઈ કાલે વાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં ઓબામાએ ગુરુદ્વારા પર અટૅકની ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવી હતી.

અમેરિકામાં મસ્જિદ આગમાં ભસ્મીભૂત થઈ

ગુરુદ્વારા પર હુમલાના એક દિવસ બાદ અમેરિકામાં એક જાણીતી મસ્જિદ આગમાં ભસ્મીભૂત થઈ છે. આ ઘટના મિઝુરી સ્ટેટના જોપલીન શહેરમાં બની હતી. એફબીઆઇના જણાવ્યા પ્રમાણે આગ લાગી ત્યારે મસ્જિદમાં એક પણ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ આગ ઇરાદાપૂર્વક લગાડવામાં આવી છે કે નહીં એની તપાસ શરૂ કરવામાં આવી છે. જોપલીન શહેરમાં આવેલા ઇસ્લામિક સેન્ટરમાં આગથી મુસ્લિમોમાં નારાજગી ફેલાઈ છે. મુસ્લિમોના સંગઠન કાઉન્સિલ ઑન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સે દેશની મસ્જિદોની સુરક્ષા વધારવા સરકારને અપીલ કરી હતી.  

એફબીઆઇ = ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન