26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણની સંભાવના

14 January, 2019 12:18 PM IST  |  વોશિંગ્ટન

26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણની સંભાવના

તહવ્વુર રાણા (ફાઇલ)

2008માં થયેલા મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં સામેલ તહવ્વુર રાણાને ટુંક સમયમાં અમેરિકાથી ભારત લાવવામાં આવી શકે છે. મુંબઈ હુમલાનું કાવતરું ઘડવાના મામલે અમેરિકામાં 14 વર્ષની સજા કાપી રહેલા તહવ્વુર રાણાને ભારત મોકલવાની સંભાવનાઓ પ્રબળ છે. ભારત સરકાર અમેરિકન એડમિનિસ્ટ્રેશનના સંપૂર્ણ સહયોગ સાથે પાકિસ્તાની કેનેડિયન નાગરિકના પ્રત્યર્પણ માટે જરૂરી કાગળિયાની કાર્યવાહી પૂરી કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાણાની જેલની સજા ડિસેમ્બર 2021માં પૂરી થવાની છે. મુંબઈ 26/11 હુમલાનું કાવતરું ઘડાવાના મામલે રાણાની 2009માં ધરપકડ કરવામાં આવી હતી.

166 લોકોના ગયા હતા જીવ

પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોઈબાના 10 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અમેરિકન નાગરિકો સહિત આશરે 166 લોકોના જીવ ગયા હતા. પોલીસે 9 આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર માર્યા હતા અને જીવતા ધરપકડ કરાયેલ આતંકવાદી અજમલ કસાબને ત્યારબાદ ફાંસી આપવામાં આવી હતી.

અમેરિકામાં સજા કાપી રહ્યો છે રાણા

રાણાને 2013માં 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેને ડિસેમ્બર 2021માં છોડી મૂકવામાં આવશે. સૂત્રોનું કહેવું માનીએ તો સજા પૂરી થયા પછી રાણાને ભારત મોકલવાની પ્રબળ સંભાવના છે. આ દરમિયાન જરૂરી કાગળિયાની કાર્યવાહી અને જટિલ પ્રક્રિયાને પૂરી કરવી એ એક પડકાર છે.

થઇ રહી છે પ્રત્યર્પણની વાત

ભારતનું વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કાયદો તેમજ વિધિ મંત્રાલય અને અમેરિકન વિદેશ મંત્રાલય અને ન્યાય મંત્રાલય તમામની પોતપોતાની પ્રત્યર્પણ પ્રક્રિયા છે. કહેવામાં આવ્યું કે જ્યારે પ્રત્યર્પણની વાત આવે છે ત્યારે તેઓ ના તો પોતાની પ્રક્રિયાને ધીમી કરવા માંગે છે અને ના તો ઝડપી બનાવવા માંગે છે. ભારતીય દૂતાવાસ અને રાણાના વકીલે જોકે તેના પર કોઈ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો: બેસ્ટની તિજોરી ખાલી છે, અયોગ્ય માગણીઓ ન કરો: ઉદ્ધવ ઠાકરે

હેડલીના પણ ભારત આવવાની સંભાવના

26/11ના મુંબઈ આતંકી હુમલાના એક અન્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યર્પણ માટે પણ સરકાર પ્રયત્નોમાં લાગેલી છે. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે 2 જાન્યુઆરીના રોજ લોકસભામાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર પ્રત્યર્પણ માટે અમેરિકન એજન્સીઓના સંપર્કમાં છે. ભારત અને અમેરિકા વચ્ચે 1997માં થયેલી પ્રત્યર્પણ સંધિ હેઠળ હેડલીને ભારત લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

mumbai 26/11 attacks