અમેરિકામાં ટીનેજરનો અંધાધૂંધ ગોળીબાર, 20 બાળકો સહિત 28ના મોત

16 December, 2012 03:44 AM IST  | 

અમેરિકામાં ટીનેજરનો અંધાધૂંધ ગોળીબાર, 20 બાળકો સહિત 28ના મોત



અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટના ન્યુટાઉન શહેરની કિન્ડરગાર્ટન સ્કૂલમાં શુક્રવારે થયેલા શૂટઆઉટમાં ૨૦ માસૂમ બાળકો સહિત ૨૮નાં મોતની ઘટનાથી સમગ્ર અમેરિકામાં જ નહીં વિશ્વભરમાં આઘાતની લાગણી પ્રસરી છે. ૨૦ વર્ષના હત્યારા ઍડમ લેન્ઝાએ શું કામ આડેધડ ગોળીબાર કરીને લોકોની હત્યા કરી એનું કારણ શોધવા અમેરિકી પોલીસ મથામણ કરી રહી છે ત્યારે આ શૉકિંગ ઘટનાની નવી વિગતો બહાર આવી છે. અમેરિકી પોલીસના જણાવ્યા પ્રમાણે ઍડમે સૅન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલમાં ૨૮ નિર્દોષ લોકોની હત્યા કરતાં પહેલાં પોતાના ઘરમાં સગી માતા નેન્સી લેન્ઝાને શૂટ કરી હતી. એ પછી તે ત્રણ ગન લઈને સ્કૂલમાં પહોંચ્યો હતો જ્યાં તેણે બે ક્લાસરૂમમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. માર્યા ગયેલાં બાળકો માત્ર પાંચથી દસ વર્ષની ઉંમરનાં જ હતાં. ઍડમની માતા પણ સૅન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલમાં કામ કરતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ઍડમે જે હથિયારોનો ઉપયોગ કર્યો હતો એ નેન્સી લેન્ઝાની માલિકીના હતાં. ઍડમ લેન્ઝા તેના સગાસંબંધીઓના જણાવ્યા પ્રમાણે અંર્તમુખી સ્વભાવનો છોકરો હતો, એ ભણવામાં હોંશિયાર અને તેને કમ્પ્યુટર ગેમ્સ રમવાનો ઘણો શોખ હતો. તેણે આ હત્યાકાંડ શું કામ સરજ્યો એ હજીપણ શોધી શકાયું નથી.

બ્લૅક ફ્રાઇડે


અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટના ન્યુટાઉન શહેરની કિન્ડરગાર્ટન સ્કૂલમાં શુક્રવારે ૨૦ માસૂમ બાળકો સહિત ૨૮ને ઠાર કરનાર  ઍડમ લેન્ઝાના કૃત્ય પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હત્યા કરતાં પહેલાં તેણે ઘરમાં પોતાની માતા નેન્સી લેન્ઝાને શૂટ કરી હતી.

અમેરિકનો સ્તબ્ધ

કનેક્ટિકટની સ્કૂલમાં થયેલા હત્યાકાંડની ઘટનાથી અમેરિકાભરમાં શોકની લાગણી ફરી વળી હતી. ગઈ કાલે અમેરિકાના દરેક શહેરમાં હત્યાકાંડમાં માર્યા ગયેલાઓને કરોડો લોકોએ ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. મૃત્યુ પામેલા લોકોના માનમાં અમેરિકામાં ઠેર-ઠેર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. દુનિયાભરના દેશોના નેતાઓએ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. 

હત્યારાના નામને કારણે ગેરસમજ

આ હત્યાકાંડ થયો એ પછી સ્થાનિક મિડિયાએ હત્યારાનું નામ ૨૪ વર્ષના રાયન લેન્ઝા હોવાનું જાહેર કરી દીધું હતું. જોકે હકીકતમાં તે હત્યારો ઍડમ લેન્ઝાનો મોટો ભાઈ હતો. બાદમાં રાયને ફેસબુક પર સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે ‘એ (હત્યારો) હું નથી. હું અત્યારે બસમાં છું. આ ઘટના બની ત્યારે હું કામ પર હતો.’

કોણ હતો ઍડમ લેન્ઝા?


આડેધડ ગોળીબાર કરીને માસૂમ બાળકો સહિત ૨૮ લોકોને મોતને ઘાટ ઉતારનાર ઍડમ લેન્ઝાની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી. સૅન્ડી હુક સ્કૂલમાં શૂટઆઉટ કરતાં પહેલાં તેણે પોતાની માતાને ઠાર કરી હતી. સગાંસંબંધીઓએ કહ્યું હતું કે ‘લેન્ઝા એકલો રહેવાનું પસંદ કરતો અંતર્મુખી સ્વભાવનો છોકરો હતો. તે ભણવામાં હોશિયાર હતો અને મોટા ભાગનો સમય તે કમ્પ્યુટર પર ગેમ રમ્યા કરતો હતો.’ લેન્ઝા માનસિક રોગી હોવાની શક્યતા અમેરિકી અધિકારીઓએ વ્યક્ત કરી હતી. જૂના મિત્રો લેન્ઝાને ખુશમિજાજ છોકરો ગણાવતા હતા. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈની સાથે તેની ફ્રેન્ડશિપ નહોતી. સૅન્ડી હુક સ્કૂલમાં હત્યાકાંડ કરવા પાછળનું કારણ હજી પણ પોલીસ શોધી નથી શકી. લેન્ઝાએ આ કૃત્ય શા માટે આચર્યું હતું એનું કારણ શોધવા પોલીસ મથામણ કરી રહી છે.

હથિયારો પર નિયંત્રણની ડિમાન્ડ

કનેક્ટિકટ શૂટઆઉટની ઘટના બાદ અમેરિકામાં બેફામ વકરેલા ગન-કલ્ચર પર કન્ટ્રોલ મૂકવાની માગણી વધારે પ્રબળ બની છે. ગન-કન્ટ્રોલ પર નિયંત્રણ મૂકવા માટેની ઑનલાઇન પિટિશન પર ગઈ કાલ સુધીમાં ૪૩,૦૦૦ કરતાં પણ વધારે લોકોએ સહી કરી હતી. આ પિટિશન વાઇટ હાઉસને ઉદ્દેશીને કરવામાં આવી છે. અમેરિકી કાયદા મુજબ આવી કોઈ પણ પિટિશન પર જો ૨૫,૦૦૦ લોકો સહી કરે તો અમેરિકાના પ્રમુખે અચૂક એનો જવાબ આપવો પડે છે. આ ઘટના બાદ હવે અમેરિકામાં ગન-કન્ટ્રોલ માટે અસરકારક કાયદો પસાર થશે એવી લોકોએ આશા વ્યક્ત કરી હતી. 

બીજો સૌથી મોટો શૂટઆઉટ

કનેક્ટિકટમાં શૂટઆઉટની ઘટના અમેરિકાના ઇતિહાસનો બીજો સૌથી મોટો શૂટઆઉટ છે. આ પહેલાં ૨૦૦૭માં વર્જિનિયા સ્ટેટના બ્લૅક્સબર્ગ ટાઉનમાં આવેલી વર્જિનિયા પૉલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટમાં માત્ર બે કલાકના ગાળામાં થયેલા ઉપરાછાપરી બે શૂટઆઉટમાં ૩૨ લોકોનાં મોત થયાં હતાં.

૨૪ કલાકમાં જ બીજો શૂટઆઉટ : બેનાં મોત

અમેરિકાના કનેક્ટિકટમાં સ્કૂલમાં શૂટઆઉટની ઘટનાને હજી તો માંડ ૨૪ કલાક પણ થયા નહોતા ત્યાં લાસ વેગસમાં ગોળીબારની વધુ એક ઘટના બની હતી. લાસ વેગસના એક કસીનોમાં એક માણસે આડેધડ ગોળીબાર કરીને એક મહિલાની હત્યા કરી હતી અને પછી તેણે જાતે પોતાને ગોળી મારીને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના શુક્રવારે સાંજે લાસ વેગસના એક્સકૅલિબર નામના હોટેલ-કસીનોમાં બની હતી. ગોળીબારમાં હોટેલમાં વેન્ડરનું કામ કરતી મહિલાનું મોત થયું હતું. પ્રારંભિક તપાસમાં ફાયરિંગ કરનાર અને મૃત્યુ પામેલી મહિલા વચ્ચેનો સંબંધ જાણી શકાયો નહોતો.

આઠ મિનિટનો ખૂની ખેલ


અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટના ન્યુટાઉન શહેરની સૅન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલમાં ૨૦ માસૂમ બાળકો સહિત ૨૮ લોકોને શૂટ કરનાર યુવક ઍડમ લેન્ઝાએ માત્ર આઠ મિનિટમાં જ ખૂની ખેલ ખેલ્યો હતો.

સ્કૂલ સુધીની સફર : અપાર્ટમેન્ટમાં પોતાની માતા નેન્સી લેન્ઝાને શૂટ કર્યા બાદ ઍડમ કાર લઈને સૅન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલ તરફ ધસી આવ્યો હતો. એ વખતે સ્કૂલમાં ૭૦૦ બાળકો હતાં. લેન્ઝા બે હૅન્ડગન અને રાઇફલ લઈને સ્કૂલમાં પહોંચ્યો હતો.

કેવી રીતે મળી એન્ટ્રી? : આમ તો સ્ટાફની કોઈ વ્યક્તિની મદદથી જ સ્કૂલમાં એન્ટ્રી અપાતી હોય છે. ઍડમ લેન્ઝાને સ્કૂલના પ્રિન્સિપાલ ડૉન હેચસ્પ્રિંન્ગ ઓળખતા હતા એટલે તેમણે તેને અંદર આવવા દીધો હતો. એ વખતે સાડાનવ વાગ્યા હતા. ઍડમે બાદમાં તેને એન્ટ્રી અપાવનાર પ્રિન્સિપાલને પણ શૂટ કર્યા હતા. 

ફાયરિંગ શરૂ : સ્કૂલમાં એન્ટ્રી મળતાં જ ઍડમે બે ક્લાસરૂમ તરફ આગળ વધીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારનો અવાજ સંભળાતાં કોઈએ ઇન્ટરકૉમની સ્વિચ ઑન કરી દીધી હતી એટલે ફાયરિંગનો અવાજ અન્ય ક્લાસરૂમમાં પણ સંભળાયો હતો. એ વખતે ૯.૩૬ વાગ્યા હતા. અવાજ સંભળાતાં અન્ય ક્લાસના ટીચર્સે સમયસૂચકતા વાપરીને દરવાજા બંધ કરી દીધા અને શક્ય એટલાં બાળકોને કપર્બોડમાં કે અન્ય જગ્યાએ છુપાવી દીધાં હતાં. જોકે ત્યાં સુધીમાં પાગલ ઍડમ ૨૦ બાળકો સહિત ૨૮ લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો હતો.

અચાનક ફાયરિંગ બંધ : પોલીસના જણાવ્યા પ્રમાણે બરાબર ૯.૩૮ વાગ્યે સ્કૂલમાં ગોળીબારનો અવાજ બંધ થઈ ગયો હતો. એ પછી સ્કૂલમાં પહોંચેલી પોલીસે ક્લાસરૂમમાંથી બાળકોને બહાર કાઢ્યાં હતાં. ગોળી વાગવાથી ઘવાયેલાં બે બાળકોનું બાદમાં મૃત્યુ થયું હતું. 

હત્યારાની ડેડબૉડી મળી : પોલીસને બાદમાં હત્યારા ઍડમ લેન્ઝાનો મૃતદેહ પણ મળ્યો હતો. એવું મનાઈ રહ્યું છે કે તેણે જાતે જ પોતાને ગોળી મારી હશે. ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે ફાયરિંગ વખતે ઍડમ લેન્ઝા એક પણ શબ્દ બોલ્યો નહોતો.