અમેરિકાના ઍરિઝોના રાજ્યમાં આગ ઓલવતી વખતે ૧૯ ફાયરમેનનાં મૃત્યુ

02 July, 2013 11:23 AM IST  | 

અમેરિકાના ઍરિઝોના રાજ્યમાં આગ ઓલવતી વખતે ૧૯ ફાયરમેનનાં મૃત્યુ



અમેરિકાના એરિઝોના રાજ્યના સેન્ટ્રલ પ્રાંતમાં આવેલાં બે શહેરોમાં લાગેલી આગને ઓલવતી વખતે રવિવારે ૧૯ ફાયરમેનનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લાં ૮૦ વર્ષમાં આવી પહેલી ઘટના છે જેમાં આટલા ફાયરમેનો જંગલમાં લાગેલી આગ ઓલવતાં મૃત્યુ પામ્યા હોય. ફીનિક્સ શહેરની ઉત્તરે આવેલી યાર્નેલ હિલ પરની આગ ઓલવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા, જેને પગલે લોકો આ શહેર છોડીને જીવ બચાવવા નાસી છૂટ્યાં હતા. અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ આ ફાયરમેનોને હીરો ગણાવ્યા હતા.


આગ શુક્રવારે લાગી હતી અને જોતજોતામાં ૨૦૦૦ એકર વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. આગની ઝપટમાં આશરે ૫૦૦ ઘર આવી ગયાં હતાં અને નાશ પામ્યાં હતાં. આગને પગલે યાર્નેલ હિલ અને પીપલ્સ વૅલીમાંથી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ૧૯ ફાયરમેનનાં મૃત્યુ બાદ આગને ઓલવવાની કામગીરીમાં બીજા ૨૫૦ ફાયર-ફાઇટરોને કામે લગાવવામાં આવ્યા હતા. સાત હેલિકૉપ્ટરો, બે ઍર-ટૅન્કરો, ચાર સિંગલ એન્જિન ઍર-ટૅન્કરોને પણ કામે લગાવવામાં આવ્યાં છે.

અમેરિકામાં ૨૦૧૩માં આગ ઓલવતી વખતે ૪૮ ફાયર-ફાઇટરો માર્યા ગયા હતા, જ્યારે ૨૦૧૨માં ૮૩ ફાયર-ફાઇટરો માર્યા ગયા હતા. જંગલમાં લાગેલી આગ ઓલવતી વખતે એકસાથે વધુમાં વધુ ૨૯ ફાયર-ફાઇટરો ૧૯૩૩માં લૉસ ઍન્જલસમાં માર્યા ગયા હતા. જોકે ૨૦૦૧માં ૧૧ સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં એકસાથે ૩૪૦ ફાયર-ફાઇટરો માર્યા ગયા હતા.