પાકિસ્તાનમાંથી મળી આવ્યું 1300 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર

21 November, 2020 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનમાંથી મળી આવ્યું 1300 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર

પ્રતિકાત્મક તસવીર, તસવીર સૌજન્યઃ એએફપી

ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના સ્વાત જિલ્લાના એક પર્વતમાં પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વ વિશેષજ્ઞોએ 1300 વર્ષ જૂના હિન્દુ મંદિરની શોધ કરી છે.

એક રિપોર્ટ મુજબ, બારિકોટ ઘુંડઈમાં ખોદકામ દરમિયાન આ મંદિરની જાણકારી મળી હતી. ખૈબર પખ્તુનવાના પુરાતત્વ વિભાગના ફઝલે અલીકે ગુરુવારે તેની જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ મંદિર ભગવાન વિષ્ણુનું છે. આ મંદિર 1300 વર્ષ પહેલા હિન્દુ શાસન કાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

હિન્દુ શાસક રાજાઓએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના એક મોટા વિસ્તાર પર લગભગ 175 વર્ષ સુધી શાસન કર્યું હતું. ઘણું બધુ આજે પણ જાણી શકાયું નથી અને તેની બાબતે અત્યાર સુધી જે પણ જાણકારી સામે આવી છે, તે સિક્કા, પત્થરો અને ટુકડાઓમાં મળેલા દસ્તાવેજો પર આધારિત છે. એજ આધાર પર માનવામાં આવે છે કે હિન્દુ શાસક કે કાબુલ શાસક (ઇ. 850-1026) એક હિન્દુ રાજા હતો, જેણે કાબુલ વેલી (પૂર્વી અફઘાનિસ્તાન), ગંધાર (આધુનિક પાકિસ્તાન) અને વર્તમાન પશ્ચિમ ભારતમાં શાસન કર્યું હતું.

પુરાતત્વવિદોએ ખોદકામ દરમિયાન મંદિર સ્થળ પાસે પડાવ અને પહેરો આપવા માટેના મીનારા વગેરે પણ મળ્યા છે. વિશેષજ્ઞોને મંદિર પાસે પાણીનું કુંડ પણ મળ્યું છે, જ્યાં શ્રદ્ધાળું પૂજા પહેલા કદાચ સ્નાન કરતાં હશે. ફઝલે ખલીકે એક ખૂબ જ મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, આ વિસ્તારમાં પહેલીવાર હિન્દુ શાસનના નિશાન મળ્યા છે. ઈટાલીના પુરાતત્વ મિશનના પ્રમુખ ડૉ. લુકાએ કહ્યું હતું કે સ્વાત જિલ્લામાં મળેલું ગંધાર સભ્યતાનું આ પહેલું મંદિર છે. સ્વાત જિલ્લામાં બૌદ્ધ ધર્મના પણ કેટલાક પૂજા સ્થળ ઉપસ્થિત છે. હિન્દુ શાહી શાસકોએ યુદ્ધમાં ઘણીવાર ગુમાવીને તેનો કબ્જો કર્યો હતો, પરંતુ ગંધારના વિસ્તારમાં તેમનો પ્રભાવ લાંબા સમય સુધી બનેલો રહ્યો હતો.

pakistan international news